• જિલ્લા પંચાયતની ચુંટણીમાં BJP એ યુવાનોને તક આપી તો, કોંગ્રેસે યુવા કર્મઠ કાર્યકરોને રડાવ્યા
  • ફોર્મ ભરવાના આખરી સમય સુધી કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના નામ જાહેર ન કરી શકી
  • યુવા કાર્યકરને ટિકિટ નહિ મળતા રડતા રડતા રોષ ઠાલવ્યો

WatchGujarat. વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. કોગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાના બદલે ફોન કરી ઉમેદવારોને અંતિમ ઘડીએ મેન્ડેડ આપી ફોર્મ ભરાવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની  અનગઢ અને રણોલી બેઠક ઉપરથી ટિકીટ માંગનાર યુવા કાર્યકર જોગેશ્વરી મહારાઉલને ટીકીટ ન મળતા ચોધાર આસુંએ રડી પડી હતી. દેશની સૌથી જુની પાર્ટીના વર્તનથી વ્યથિત કાર્યકરે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા જણાવ્યું હતું.

વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ અને રણોલી બેઠક ઉપરથી ટિકિટ ન મળતા યુથ કોંગ્રેસ અગ્રણી જોગેશ્વરી મહારાઉલે રડતા રડતા મોવડી મંડળ સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 20 વર્ષની કામગીરીના બદલામાં પક્ષે મારી સાથે ભારોભાર અન્યાય કર્યો છે. મારી જોડે ગદ્દારી થઇ છે. પરંતું હું ગદ્દારી નહિ કરૂ. હું પક્ષને વફાદાર રહીને કોંગ્રેસના ઉમેદવારો માટે કામ કરીશ.

જોગેશ્વરી મહારાઉલે રડતા રડતા વધુમાં જણાવ્યું હતું કે હું અનગઢ ગામની રહેવાસી છું. જિલ્લા પંચાયતની અણગઢ અને રણોલી બેઠક માટે મેં ટિકિટની માગણી કરી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા મને ટિકિટ ન આપીને મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેના માટે હું દુખ અનુભવી રહી છું. કોંગ્રેસ દ્વારા લાગવગને અનુસરીને ટિકિટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો તેમજ તાલુકા અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે ઉમેદવારીપત્રો ભરવાના સ્થળે ટિકિટ ન મળતા નારાજ થયેલા દાવેદારોએ પક્ષ સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં અનગઢ ગામની રહેવાસી અને યુવા કોંગ્રેસ કાર્યકર જોગેશ્વરી મહારાઉલે રડતા રડતા પક્ષ સામે રોષ ઠાલવતા તેને કાર્યકરોનુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સાથે રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની હતી.

એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સાથે તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરી શકી ન હતી. જિલ્લા પંચાયતની ચુંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરીને ફોર્મ ભરાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud