રાજકુમાર રાવ, વરૂણ શર્મા અને જાહ્નવી કપૂર સ્ટારર ‘રૂહી’ આમ તો માર્ચ મહિનામાં થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી હતી, પરંતુ કોરોના સંક્રમણને લીધે સિને‘મા’એ એક વર્ષથી સિનેમાઘરના દર્શન નથી કર્યા. થોડા દિવસો પહેલાં નેટફ્લિક્સ પર આ હળવીફૂલ હૉરર-કૉમેડી ફિલ્મ રીલિઝ થઈ. ‘અમદાવાદમાં ફેમસ’ જેવી અવૉર્ડ-વિનીંગ ફિલ્મના ગુજરાતી ડિરેક્ટર હાર્દિક મહેતાએ ‘રૂહી’નું ડિરેક્શન સંભાળ્યું છે. વિક્રમાદિત્ય મોટવાણે જેવા દિગ્ગક દિગ્દર્શકો સાથે તેમણે લૂટેરા અને અન્ય ફિલ્મો જેમકે ટ્રેપ્ડ, મૌસમ, ક્વીનમાં જુદા જુદા સ્તર પર કામ કર્યુ છે. હૉરર-કૉમેડી ફિલ્મોનો નવો દૌર આપણે ત્યાં રાજ અને ડી.કે.ની ’સ્ત્રી’ ફિલ્મ રીલિઝ થયા પછી શરૂ થયો છે, એમ કહી શકાય. એમાં પણ રાજકુમાર રાવ મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો. જાણવા જેવી વાત એ છે કે એ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજન આજ વખતે ’રૂહી’ના પણ નિર્માતા બન્યા છે.

ફિલ્મની વાર્તા કાલ્પનિક ગામ બાગડપુરમાં શરૂ થાય છે, જ્યાં છોકરીઓને બળજબરીપૂર્વક ઉઠાવી લગ્ન કરાવવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. ભવરા પાંડે (રાજકુમાર રાવ) અને કટન્ની કુરેશી (વરૂણ શર્મા) પણ ઘણા સમયથી ગુનિયા શકીલ (માનવ વિજ) નામના લૉકલ ગુંડા સાથે મળીને આ પ્રકારના લગ્ન કરાવવાનો કૉન્ટ્રાક્ટ લેવાનું કામ કરે છે. એક દિવસ તેઓ રૂહી (જાહ્નવી કપૂર)નું અપહરણ કરી લાવે છે, પરંતુ એમને ખ્યાલ નથી કે રૂહીની અંદર ઊંધા પગ ધરાવતી ચુડૈલ ’મુડિયાપૈરી’ની આત્મા વસવાટ કરે છે. એક બાજુ ભવરા પાંડે રૂહીના પ્રેમમાં પડે છે, તો બીજી બાજુ કટન્ની મુડિયાપૈરીના પ્રેમમાં!

પાછલા દોઢેક મહિનાથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર છવાયેલું ’નદિયોં પાર’ ગીત પણ ’રૂહી’ ફિલ્મનું જ છે, જે કમનસીબે ફિલ્મમાં ક્યાંય જોવા ન મળ્યું. સંગીત આપ્યું છે, સચિન-જીગરએ! પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવા મ્યુઝિક વચ્ચે વાર્તા ચાલ્યા રાખે છે. શરૂઆતના લગ્નના દ્રશ્યોને બાદ કરતા મોટાભાગની ફિલ્મ જંગલમાં ભમ્યે રાખતાં ભવરા પાંડે, રૂહી અને કટન્નીની ઇર્દગિર્દ જ ઘૂમે છે, જે એક સમય પર કંટાળાજનક લાગવા માંડે છે. ડિરેક્ટર હાર્દિક મહેતા પ્રોડક્શન વેલ્યુ અને ગ્લેમર જાળવવાના ચક્કરમાં સ્ક્રિપ્ટને દમદાર બનાવવાનું ચૂકી ગયા છે. ગણ્યાગાંઠ્યા સંવાદો અને દ્રશ્યોને બાદ કરતા ફિલ્મમાં હાસ્યપ્રેરક બાબતો ઓછી જોવા મળી. ગુજરાતી તખ્તાના જાણીતા કલાકાર અને પદ્મશ્રી અભિનેત્રી સરિતા જોશીનું નાનકડું પણ દમદાર પાત્ર પડદા પર જોવું ગમે એવું છે. જાહ્નવી કપૂરના અભિનયમાં કોઈ ખોટ નથી દેખાતી, પરંતુ સ્ક્રિપ્ટની અસ્તવ્યસ્તતાને લીધે ’રૂહી’ની મજા મરી ગઈ છે. રાજકુમાર રાવ દર વખતની જેમ ફિલ્મમાં છવાઈ ગયા છે, પરંતુ વરૂણ શર્મા પોતાના લાક્ષણિક હાવભાવ અને બૉડી-લેંગ્વેજ સિવાય ફિલ્મમાં કશું જ નવું નથી પીરસી શક્યો. ફુકરે, ફુકરે રિટર્ન બાદ તે સતત એક જ પ્રકારના કિરદાર નિભાવતો હોવાથી તેના અભિનયમાં ક્ષાર બાઝી ગયો છે. ખેર, કશું જ જોવાલાયક ન હોય તો એક વખત જોઈ શકાય એવી આ ફિલ્મ તમને કેવી લાગી એ જણાવવાનું ભૂલશો નહીં.

ક્લાયમેક્સ: અમિતાભ બચ્ચનની ’ચહેરે’ ફિલ્મ રીલિઝ થાય એ વખતે સિને’મા’ પોતાનો થિયેટર-ઉપવાસ તોડીને પારણાં કરવાના મૂડમાં હતી, પરંતુ મૂઆ કોરોનાની બીજી લહેરએ આખો ખેલ બગાડી નાંખ્યો! હવે તો છેક ’ગંગુબાઈ કાઠિયાવાડી’ વખતે જ મેળ પડશે એવું લાગે છે.

કેમ જોવી?: હૉરર-કૉમેડી ફિલ્મોના ચાહક હો તો!

કેમ ન જોવી?: ’સ્ત્રી’ જેવી અફલાતુન હૉરર-કૉમેડી જોયા પછી આ ફિલ્મ થકી નિરાશ થવાની ઇચ્છા ન હોય તો!

(bhattparakh@yahoo.com)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud