- કોવિડની ગાઇડલાઇનનુ પાલન ન થતાં ગત તા. 28 નવેમ્બરે શહેરના અન્ય મોલ સહીત INORBITને પણ ત્રણ દિવસ માટે સીલ કરાયુ હતુ
- પાલીકાની આંખ ઉઘાડતો વિડીયો, દેખાડા માટે સીલ કરાયેલા મોલમાં લોકો કોરોના ભુલ્યા
WatchGujarat. દિવાળીમાં લોકોને બહાર ફરવાની શરતી છુટ મળતા જ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો હતો. માંડ હવે કોરોના કાબુમાં આવી રહ્યો છે. ત્યારે INORBIT મોલમાં લોકો કોરોના ભુલીને ક્રીસમસ માટે તૈયાર કરાયેલા ડેકોરેશનની આસપાસ બિંદાસ માસ્ક વગર ફોટા પડાવી રહ્યા છે. જો આ જ રીતે કોરોનાને ભુલમાં આવશે તો કોરોના વિસ્ફોટ થશે. અને તે માટે આપણે જ જવાબદાર હોઇશું.
દિવાળી બાદ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ તકેદારીના ભાગ રૂપે પાલીકા અને પોલીસ દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી કોવિડ ગાઇડલાઇન્સનું સઘન પાલન કરવવામાં આવ્યું હતું. દરમિયાન નિયમોના પાલનમાં પોલંપોલ જણાતા શહેરના ઇવા મોલ સહિતના અનેક મોલ સીલ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે મોલમાં કોરોના છે જ નહિ તેવી રીતે લોકો ફરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ પર્વની કોરોનાને કારણે ખુબ જ સાદાઇ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
તેવા સમયે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા INORBIT મોલમાં લોકો કોરોના ભુલીને સ્પેશીયલ ડેકોરેશન નજીક ટોળે વળતા મળ્યા હતા. 28 નવેમ્બરના રોજ પાલીકાની ટીમે INORBIT સહિતના મોલ કોવિડ ગાઇડલાઇન્સમાં પોલંપોલને કારણે સીલ માર્યા હતા. પરંતુ સીલ કર્યા બાદ પણ મોલનું વહીવટી તંત્ર સુધર્યું નથી તેવું દેખાઇ રહ્યું છે. લોકો બિંદાસ ફરી રહ્યા છે. અને માસ્ક વગર એક જગ્યાની આસપાસ ટોળે વળીને એકત્રીત થઇ રહ્યા છે.
કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાનું અનુસરવા પ્રધાનમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે. પરંતુ લોકો તહેવાર આવતાની સાથે જ બધુ ભુલીને માહોલમાં ખોવાઇ જાય છે. પાલીકાની ટીમ માત્ર દેખાડા પુરતી કામગીરી કરે છે. એક તરફ વિદેશોમાં કોરોનાની નવી સ્ટ્રેઇન આવી રહી છે. બીજી તરફ દેશમાં લોકો કોરોનાને હજી પણ હળવાશમાં લઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં નાના વેપારીઓ પર કોરોનાના નિયમોના પાલનમાં જરાક ઢીલાશ કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મોલ તરફે કુણુ વલણ રાખવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. મોલમાં બિંદાસ કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન આગામી સમયમાં શહેરને કોરોના વિસ્ફોટની સ્થિતીમાં ધકેલી શકે છે. કોરોના કાળમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. સામાન્ય રીતે મોલમાં એન્ટ્રી લેવા માટે આરોગ્ય સેતુ એપ્લીકેશન જરૂરી છે. પરંતુ એપ્લીકેશનના નિયમોને પણ ઇનઓર્બીટ મોલમાં નેવે મુકવામાં આવ્યું છે. આવનાર સમયમાં જુજ લોકોની બેદરકારીને કારણે અનેક લોકો ભોગવશે.