• રમણગામડીની આસપાસ પહેલી વખત દિપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ
  • રેલવે કર્મચારીઓ દિપડાને શિકાર કરતો જોતા વાતની પુષ્ટિ થઇ
  • વન વિભાગે સતર્કતા દાખવીને શિકારી દિપડાને પકડવા માટે પીંજરૂ મુક્યું

WatchGujarat. શહેર નજીક આવેલા પોર ગામની આજુબાજુના ગામડામાં છેલ્લા પાંચ દિવસથી દીપડાએ આતંક ફેલાવ્યો છે. પાંચ દિવસ પહેલા રમણગામડી ગામમાં ચાર બકરી અને ગતરાતે ગોસીન્દ્રા ગામમાંથી એક બકરીનો શિકાર કર્યો હતો. જેના પરિણામે ફોરેસ્ટ ખાતાએ દીપડાને પકડવા માટે પીંજરૂ મૂકીને છટકુ  ગોઠવ્યું છે. જો કે, પણ હજી સુધી દીપડો પકડાયો નથી.

શહેર નજીક આવેલા રમણગામડી પાસે ઔદ્યોગિક વિસ્તામાં આવેલો છે. ગામમાં પાંચ દિવસ પૂર્વે દીપડાએ એક ભરવાડના ઘર નજીક વાડામાં બાંધેલી ત્રણ બકરીઓનો વારાફરતી શિકાર કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પણ દીપડાએ ગામમાં આવીને વધુ  એક બકરીનું મારણ કર્યુ હતું. પરંતુ, આ વખતે ગામજનોએ દેકારા પાડીને ડંડા લઇને પીછો કરતા દીપડાનજીકના જંગલ વિસ્તારમાં બકરીને છોડીને ભાગી ગયો હતો. બનાવની જાણ ગામજનોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરતા હિંસક દીપડાને પકડવા માટે પાંજરૃ મૂકવામાં આવ્યુ છે. અને દીપડાને લલચાવવા માટે પાંજરામાં બકરી પણ મૂકવામાં આવી હતી. પરંતુ, પાંજરૂ મૂક્યા પછી રમણગામડી ગામમાં દીપડો આવતો બંધ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં દીપડો આજુબાજુના ગામડાઓમાં આવતો  હતો. પરંતુ, રમણગામડી ગામમાં પહેલી વખત જ દીપડો આવતા ફફડાટ ફેલાયો છે.

રમણગામડી ગામમાં દીપડાને પકડવા માટે પાંજરૂ મૂકવામાં આવ્યા પછી દીપડાએ ચાર દિવસ સુધી દેખા દીધી ન હતી. પરંતું, ગતરાતે દીપડાએ રમણગામડીની નજીક આવેલા ગોસીન્દ્રા ગામે ફરીથી શિકાર કર્યો હતો. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, નવીનગરીમાં રહેતા અશોકભાઇ વસાવાના ઘરની પાછળ આવેલા વાડામાં બાંધેલી પાંચ બકરીઓ પૈકી એક બકરીને ગતરાતે દીપડો ઉપાડી ગયો હતો. અને થોડે દૂર જંગલમાં લઇ જઇને ફાડી ખાધી હતી. સવારે અશોકભાઇએ વાડામાંથી એક બકરી ગૂમ થયેલી જોતા તેમણે શોધખોળ હાથ ધરતા જંગલમાંથી ફાડી ખાધેલી હાલતમાં બકરી મળી આવી હતી.

જેથી, રાતે દીપડાએ ગામમાં આવીને બકરીનું મારણ કર્યું હોવાની જાણ થતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. પહેલા રમણગામડી અને હવે ગોસીન્દ્રા ગામે દીપડાએ દેખા દેતા ફોરેસ્ટ  ડિપાર્ટમેન્ટ દ્વારા દિપડાને પકડવા માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. હજી સુધી દીપડો પકડાયો ન હોય આ વિસ્તારમાં ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવશે.

રેલવે કર્મચારીએ દીપડાને રેલ લાઇન ઓળંગતા જોયો હતો

ગોસીન્દ્રા ગામમાં ગતરાતે દીપડો વાડામાં બાંધેલી એક બકરીને ઉપાડીને થોડે દૂર જંગલમાં લઇ ગયો હતો.અને ફાડી ખાઇને નાસી ગયો હતો. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, ગતરાતે નજીકમાં આવેલા રેલવે ફાટક પર ગામની જ એક વ્યક્તિ નોકરી કરે છે. અને ગતરાતે નાઇડ ડયૂટી દરમિયાન તેણે દિપડાને રેલવે લાઇન ઓળંગતા જોયો હતો.

આ વિસ્તારમાં દીપડાની હાજરીની ખાત્રી થતા ગામજનોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા અને  પોતાના ઢોર ઘરની પાછળના ભાગે નહી પણ આગળના ભાગે બાંધવા માટે જણાવવામાં આવ્યું છે.

ડભોઇથી વડોદરા વચ્ચે ઢાઢર નદીના કોતરમાં દીપડાની વસતી

ઢાઢર નદીના કોતરમાં હિંસક દિપડાઓની વસતી હોવાનુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યુ છે.અને ડભોઇ,શિનોર થઇ વડોદરા નજીકના રામનાથ,સરાર ગામ સુધી નદીના કોતર છે.અને આ સમગ્ર વિસ્તારમાં દીપડાની વસતી હોવાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સૂત્રોનું જણાવવું છે. અને છેલ્લા પાંચ વર્ષમાં દીપડાની વસતી વધી છે.પરંતુ,હજીસુધી તેની ગણતરી કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીમાં મગરની વસતી પણ છે.પરંતુ,હજીસુધી મગર અને દીપડાની લડાઇની કોઇ ઘટના બની નથી.

ઉલ્લેખનીય છે કે,ચાર મહિના પૂર્વે પણ ગોસીન્દ્રા ગામમાં દીપડાએ ત્રણ વાછરડીનું મારણ કર્યુ હતુ.પરંતુ,તે સમયે દીપડો પકડવામાં ફોરેસ્ટ ખાતાને સફળતા મળી હોવાનુ ગામના સરપંચે જણાવ્યુ છે. ચાર મહિના પૂર્વે ગોસીન્દ્રા ગામમાં ત્રણ વાછરડીનું મારણ કર્યુ હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud