• ભરૂચના અમરદિપ કોમ્પ્લેક્ષમાં ધોળે દિવસે પ્રેમિકાની હત્યાની કોશિષ
  • લોકડાઉનમાં મોબાઈલ પર બન્ને સંપર્કમાં આવતાં પ્રેમસંબંધ બંધાયો હતો
  • ભરૂચમાં રહેતી યુવતીને મૂળ વતન કલોલમાં રહેતા નીરવ ઉપાધ્યાય સાથે પ્રેમ થયો હતો
  • જોશી અને ઉપાધ્યાય પરિવારે લગ્નની મહોર પણ મારી દીધી પણ યુવાન ડાયાબીટીસ હોવા સાથે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતો હોય પ્રેમ સંબંધ ને લગ્નમાં ફેરવવા સામે યુવતીના પરિવારનો યુવાનની જિંદગી પર સવાલ ઉઠ્યો હતો
  • યુવતીના અમદાવાદ સગપણ થઈ જતા નિરવે ભરૂચ દોડી આવી મંગળવારે તેને ચપ્પુ મારી દીધું હતું

WatchGujarat. ભરૂચના નવાડેરા શુકલશેરીમાં રહેતાં અને મુળ પંચમહાલના કાલોલના વતની હિરેન અશોકકુમાર જોશીની બહેન રમીલા (નામ બદલ્યું છે) લોકડાઉનના સમયગાળા દરમિયાન તેમના વતનના જ રહેતાં નિરવ રમેશચંદ્ર ઉપાધ્યાય નામના યુવાન સાથે મોબાઇલ પર સંપર્ક થયો હતો.

લોકડાઉનમાં બન્નેના મન મળી જતા લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. તેઓએ પોતાના પરિવારજનોને તેમના પ્રેમની જાણ કરી તેમણે લગ્નના તાંતણે જોડાવાનો નિર્ણય કર્યો હતો. અરસામાં જોશી પરિવારે નિરવ અંગેની તપાસ કરાવતાં તેમને માલુમ પડ્યું હતું કે, તેને ડાયાબિટિસની બિમારી છે અને તે ઇન્સ્યુલિન લે છે.

જેના પગલે પરિવારજનોએ રમીલાને સમજાવી હતી કે, તેના લગ્ન નિરવ સાથે થઇ શકે તેમ નથી, રમીલાએ પણ તેમના સંબંધ તોડવાનું નક્કી કરી નિરવને ફોન કરી તેની સાથે લગ્ન નહીં કરી શકે તેમ જણાવી દીધું હતું. જોકે, તેમ છતાં નિરવ અવાર નવાર તેના ફોન પર સંપર્ક કરી પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. ઉપરાંત સુપર માર્કેટની એક દુકાનમાં જ્યાં રમીલા નોકરી કરતી હતી ત્યાં અને ઘર સામે આવી તે અવારનવાર રમીલા સાથે ઝઘડો કરી જો તું મારા સિવાય અન્ય કોઇ સાથે લગ્ન કરીશ તો હું જોઇ લઇશ તેવી ધમકી આપતો હતો.

રમીલાના અમદાવાદ ખાતે સગપણ નક્કી થતાં મંગળવારે નિરવે ભરૂચ આવી સુપર માર્કેટ પાસે આવેલાં અમરદિપ કોમ્પ્લેક્ષ પાસે રમીલા સાથે ઝઘડો કરી તેના પર ચપ્પુના ઘા ઝીંકી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે, આસપાસના લોકોએ દોડી આવી નિરવને ઝડપી પાડ્યો હતો. અને ઇજાગ્રસ્ત રમીલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. દરમિયાનમાં પોલીસ આવી જતાં પોલીસે નિરવની ધરપકડ કરી ઇજાગ્રસ્ત રમીલાના ભાઇ હિરેન જોશીની ફરિયાદના આધારે હત્યાની કોશિષની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાના કાળા કહેર વચ્ચે લોકડાઉનમાં શરૂ થયેલી આ લવ સ્ટોરીએ ઝનૂની પ્રેમીના આવા લોહિયાળ કૃત્ય બદલ ભરૂચમાં ભારે ચકચાર જગાવી છે. યુવતીની લગ્ન કરવાની ના ને સહન નહિ કરી શકનાર નીરવ ને જો સ્થાનિકોએ રોક્યો ન હોત તો તે યુવતીનો જીવ લઈ ને જ છોડત તેમ ત્યાં હાજર લોકોએ કહ્યું હતું.

સમાજના મેળાવડાની ચોપડીમાં યુવક-યુવતી એ એકબીજાને જોયા અને પછી મોબાઈલ સંપર્ક થી સબંધ આગળ વધ્યો

યુવતીના ભાઈ હિરેન જોશી એ જણાવ્યું હતું કે , બ્રહ્મ સમાજના લગ્ન પસંદગી મેળાવડાની ચોપડીમાં યુવક-યુવતીએ એકબીજાને જોયા હતા. બન્ને ને એકમેક સાથે પરિજનોની પણ હા ભળતા મોબાઈલ પર સંપર્ક કરી સંબંધો આગળ વધ્યા હતા. જે બાદ લગ્ન સુધી વાત પોહચી હતી. જોકે અમે યુવકની તપાસ કરાવતા તે ડાયાબીટીસ થી પીડાતો હતો અને ઇન્સ્યુલિન લેતો હતો. જેને લઈ મારી બહેનના જીવનનો સવાલ હોય લગ્ન નહિ કરવાનો નિર્ણય લઈ યુવકના પરિવારને પણ જાણ કરાઈ હતી. પરંતુ લગ્નની ના યુવાન સ્વીકારી શક્યો નહિ અને આજે આ જીવલેણ હુમલો મારી બહેન પર કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud