• 14 સભ્યોના સુખડિયા પરિવારના 11 સભ્યો કોરોના પોઝિટીવ આવતાં ચિંતામાં ગરકાવ થઈ ગયા હતાં.
  • ડો. જયેશ શાહની સલાહને પગલે મેડિક્લેમ – કોરોના પોલીસી હોવા છતાં ત્રણ ભાઈઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થયાં.

Watch Gujarat. કોરોના કાળમાં એક તરફ કોર્પોરેશનના કેટલાંક સભ્યોએ ખાનગી હોસ્પિટલમાં પ્રજાના પૈસે સારવાર કરાવી હતી. ત્યારે બીજી તરફ, મેડિક્લેમ – કોરોના પોલીસી હોવા છતાં ત્રણ સુખડિયા ભાઈઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી હોસ્પિટલમાં 15 લાખથી વધુનો ખર્ચો થાય તેવી સારવાર સુખડિયા ભાઈઓને માત્ર રૂ. 15માં પ્રાપ્ત થઈ છે.

તાજેતરમાં એક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ 14 સભ્યોનો પરિવાર ધરાવતાં સુખડીયા પરિવારના 11 સભ્યો કોરોના પોઝિટીવ આવતાં તેઓ ચિંતાતુર થઈ ગયા હતાં. 11 પૈકી 8ને કોરોનાનો પ્રભાવ સામાન્ય હતો. જ્યારે પરિવારના મોભી સમાન અતુલભાઈ, પંકજભાઈ અને જીતેન્દ્રભાઈને હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવી સ્થિતિ હતી. આ સંજોગોમાં તેમણે શહેરના વરિષ્ઠ અને અનુભવી ડો. જયેશ શાહની સલાહ લીધી હતી. મેડિક્લેમ – કોરોના પોલીસી હોવા છતાં ડો. શાહે ત્રણેય ભાઈઓને સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું.

પંકજભાઈ અને જીતેન્દ્રભાઈ 10 દિવસની સારવારને અંતે કોરોનામુક્ત થઈ ઘરે પરત પહોંચ્યા હતાં. જ્યારે કો-મોર્બિડ અતુલભાઈ 21 દિવસની સારવારને અંતે સ્વસ્થ થયા છે. સયાજી હોસ્પિટલમાં કોરોનામુક્ત થયેલાં પંકજભાઈનું કહેવું છે કે, વ્યક્તિ દીઢ રૂ. 5 પ્રમાણે અમે ત્રણ ભાઈઓએ રૂ. 15ની નજીવી કેસ ફી ચુકવી છે. ખાનગી હોસ્પિટલમાં મારા મોટાભાઈ અતુલભાઈની સારવારના સ્હેજેય 10 થી 12 લાખ ચૂકવવા પડ્યા હોત. તે ઉપરાંત મારી અને નાનાભાઈની સારવારના રૂ. 5 લાખ ખર્ચો થયો હોત. પણ, રૂ. 15 લાખના ખર્ચે થાય એટલી સારવાર અમને સયાજી હોસ્પિટલમાં માત્ર રૂ. 15માં પ્રાપ્ત થઈ છે.

સયાજી હોસ્પિટલ સાચેજ આરોગ્ય મંદિર છે. એમ કહેવા સાથે પંકજભાઈએ તબીબો સહિતના સ્ટાફનાં વખાણ કરવા સાથે આભાર માન્યો હતો.

સયાજી હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમોમાં શહેર ભાજપા – કોંગ્રેસના અગ્રણીઓ ફોટો પડાવવા અવશ્ય દોડી જાય છે. પરંતુ, કોરોના સંક્રમણ લાગુ પડે ત્યારે પોતે કે પોતાના સ્વજનને સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા મોકલવાનું મુનાસીબ માનતાં નથી. એમાંય સારવારનું રૂ. 4 લાખ સુધીનું બિલ કોર્પોરેશન પ્રજાના પરસેવાના પૈસામાંથી ચુકવશે એવી પાક્કી ખબર હોવાથી કોરોના સંક્રમિત કોર્પોરેટરોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે અને કોર્પોરેશન દ્વારા નાણાં પણ ચૂકવવામાં આવ્યા છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે ત્રણ ભાઈ સ્વસ્થ થયા છે, આ વાત જાણીને પ્રજાના પૈસે સારવાર કરાવનારાઓને લાજ આવશે ખરી?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud