વડોદરા. કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું તા.૩ નવેમ્બરના રોજ મતદાન કરાવવા માટે, ૩૧૧ મતદાન મથકોનું સંચાલન કરવા ભારતના ચૂંટણી પંચના નિયમો અને જોગવાઈઓ તેમજ કોરોના વિષયક વિશેષ સૂચનાઓ અનુસરીને ૧,૫૫૫ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરીને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

કોરોના સાવચેતી રૂપે મતદાનની તારીખ અગાઉ આ તમામ લોકો કોરોના મુક્ત હોવાની ખાતરી કરવા રેપિડ ટેસ્ટ કરવામાં આવશે એવો આજે સંકેત આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા ચૂંટણી સંચાલનના નિયમો પ્રમાણે વિવિધ જવાબદારીઓ અદા કરવા અને ચૂંટણીનું સમુચિત અને સંકલિત સંચાલન કરવા વર્ગ- ૧ ના ૧૬ અધિકારીઓની નોડલ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

તેમણે બેઠક યોજીને આ અધિકારીઓ દ્વારા જરૂરી પૂર્વ તૈયારીઓ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવીને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષણ માટે ખર્ચ નિરીક્ષક અને જનરલ નિરીક્ષક તરીકે કેન્દ્રીય સેવાઓના ઉચ્ચ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના આગમન અને કામગીરીના સંદર્ભે લાઇઝન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મતદાન કરાવવા માટે ચૂંટણી પંચે નિર્ધારિત કરેલા પ્રમાણમાં બેલેટ યુનિટ, કાઉન્ટીંગ યુનિટ અને વીવિપેટની ફાળવણી કરી દેવામાં આવી છે. આ યંત્રોને ચુસ્ત અને દુરસ્ત રાખવા ૧૫ ટેકનિકલ ટીમોની રચના કરવામાં આવી છે. હાલમાં ચાર જાગૃતિ રથો દ્વારા ૩૧૧ મતદાન મથકના વિસ્તારોમાં મત આપવા અને વીવીપેટના ઉપયોગનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સાચવણી માટે લેવામાં આવેલા પગલાં,મતદાન સામગ્રી અને ટુકડીઓના પરિવહન માટે વાહન વ્યવસ્થા,કરજણ ખાતે મતદાન સામગ્રીના વિતરણ અને પરત સ્વીકાર માટેના કેન્દ્રોની વ્યવસ્થા સહિત વિવિધ બાબતોનો વિગતવાર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિકારી શ્રી સુધીર દેસાઈ, નિવાસી અધિક કલેકટર ડી.આર.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એમ. જોષી સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !