• કેનેરા બેંકના સિક્યુરીટી ગાર્ડ વગરના એટીએમમાંથી અજાણી ગેંગ દ્વારા ટેકનીકલ ખામી સર્જી લાખો રૂપિયા ગાયબ
  • એક જ મોડસ ઓપરેન્ડીથી બે એટીએમમાંથી રૂ. 15.76 લાખ ગાયબ
  • એટીએમમાં ટેકનીકલ ખામી સર્જવા પાછળ ડુપ્લીકેટ કી જવાબદાર
  • એક જ બેંકના અલગ અલગ એટીએમને ટાર્ગેટ બનાવાતા જાણભેદુ દ્વારા જ ઠગાઇ કરવાની આશંકા


વડોદરા. કેનેરા બેંકના ATMને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ગેંગ છેલ્લા કેટલાક સમયથી પોલીસ માટે સમસ્યા બની ગઇ છે. ગેંગ કેનેરા બેંકના ATMમાં ટેક્નિકલ ચેડા કરીને રૂપિયા કાઢી લાખો રૂપિયા ઉપાડી બેંકને ચુનો રહી છે. કેનેરા બેંકના ATMમાં ટેક્નિકલ ચેડા કરીને રૂ. 15.67 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ATMનું બોક્સ ખોલીને રૂમની સ્વીચ ચાલુ બંધ કરીને ટ્રાન્ઝેક્શન કરતા

મૂળ પોરબંદરના અને હાલ વડોદરા રહેતા રૂપેશભાઇ તિવારી વડસર બ્રિજ પાસે આવેલી કેનેરા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. બેંકની બાજુમાં આવેલા ATM પર કોઇ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો. 6 ઓક્ટોબરના રોજ બેંગલોર ખાતેની હેડ ઓફિસેથી ઇ-મેઇલ આવ્યો હતો કે, તમારી બેંકના બાજુમાં આવેલા ATM માં શંકાસ્પદ વ્યવહારો થઇ રહ્યા છે. જેથી તેઓએ CCTV કેમેરાની ચકાસણી કરતા 10 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધીના રેકોર્ડિંગમાં જણાઇ આવ્યું હતું કે, અજાણ્યા શખ્સો ચાવી વડે ATMનું ઉપરનું બોક્સ ખોલીને ATMની સ્વીચ ચાલુ બંધ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. જેના કારણે ATM બોક્સનું લોક પણ ખરાબ થઈ ગયું હતું. એક મહિનામાં અલગ-અલગ સમયે એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનો આચરવામાં આવ્યો હતો.

ડુપ્લીકેટ ચાવી મોનીટરમાં નાંખવાથી ટેકનીકલ ખામી શરૂ થઇ જતી

કેનેરા બેંકના અન્ય શાખાના એટીએમમાં પણ આ જ રીતે પૈસા ઉપાડવામાં આવ્યા હતા. કેનેરા બેંકની એક શાખા મકરપુરા રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આવી છે. જેના મેનેજર શ્વેતા સિન્હા છે. કેનેરા બેંકના મકરપુરા ખાતે આવેલી એટીએમમાં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એટીએમના મોનીટરમાં ડુપ્લીકેટ ચાવી નાંખી લાઇટ ચાલુ બંધ કરીને 68 વખત ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આમ કરીને રૂ. 6.61 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.

એટીએમ મશીનમાં ટેક્નિકલ ચેડા કરીને 15.67 લાખની ચોરી કરી

આરોપીઓએ પોતાની પાસેનું કાર્ડ ATMમાં નાખી ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ કરતા હતા, જ્યારે ATM મશીનમાંથી રૂપિયા નીકળે તે દરમિયાન તેઓની પાસે રહેલી ડુપ્લિકેટ ચાવી વડે મોનિટરના ઉપરના ભાગે આવેલા મશીનમાં ચાવી લગાવી મશીનમાં ટેક્નિકલ ખામી ઊભી કરતા હતા. ATMમાંથી રૂપિયા ઉપાડી ચોરી કરીને કુલ 15,67,500 રૂપિયાની માતબર રકમ ચોરી કરીને બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.

કેવી રીતે ચોરી કરવામાં આવતી હતી

ગેંગના સભ્યો એટીએમ સેન્ટરમાં જઇને તેની લાઇટ ચાલુ બંધ કરવાનું શરૂ કરી દેતા હતા. ત્યાર બાદ એટીએમના મોનીટરમાં ડુપ્લીકેટ કી લગાડવામાં આવતી હતી. ડુપ્લીકેટ કી નાંખવાને કારણે એટીએમમાં ટેકનીકલ ખામી થઇ જતી હતી. ત્યાર બાદ કાર્ડ નાંખીને એક પછી એક ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. આ રીતે કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનની નોંધ એટીએમની સિસ્ટમમાં થતી ન હતી. આમ કરીને ગેંગ દ્વારા લાખો રૂપિયાનો ચુનો કેનેરા બેંકનો ચોપડવામાં આવતો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud