• મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંપર્કમાં આવેલી UKની યુવતિએ લોભામણી ઓફર આપી.
  • પોણા બે કરોડનું 150 લિટર તેલ UK મોકલી તગડું કમિશન મેળવવા જતાં બાજવાના યુવકે નાણાં ગુમાવ્યા.
  • રાજકોટના મોહિત પરમાર, નેવિલ શુક્લા અને ઇમરાન કાઝીએ ભુજના શખ્સના અકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા.
  • સુરત જેલમાં રહેતાં ત્રણ આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી.

વડોદરા. UKની યુવતિના નામે ગુજરાતી ઠગોએ પાથરેલી જાળમાં ફસાયેલા બાજવાના આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ સાથે રૂ. 11.32 લાખની છેતરપિંડી થઈ હતી. મોબાઈલ એપ્લિકેશનની મદદથી સંપર્કમાં આવેલી UKની યુવતિએ રૂ. 1.12 લાખમાં 1 લિટરના ભાવનું 150 લિટર Taraxahizon Raw Oil UK મોકલી તગડું કમિશન કમાવવાની લાલચ આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂજના એક શખ્સનું અકાઉન્ટ મેળવી ભેજાબાજો રાજકોટના મોહિત જગદીશભાઈ પરમાર, નેવિલ અશોક શુકલા અને ઇમરાન ઇબ્રાહિમ કાઝીએ રોનક સાથે છેતરપિંડી કરી હોવાનું સપાટી પર આવ્યું છે. જોકે, હાલ ત્રણેય આરોપી સુરત જેલમાં હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેઓનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઘટનાની તબક્કાવાર વિગત એવી છે કે, બાજવા વિસ્તારના પરબડી ફળિયામાં રહેતો રોનક ચંદ્રેશકુમાર પરમાર આસિ. અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ગત તા. 1 જુલાઈ 2020ના રોજ કાકા પ્રકાશભાઈ પરમારના મોબાઈલની એપ્લિકેશન “say.hi” થકી તે UKની અમાંડા ડેવિડના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં અમાંડાનો વિદેશી મોબાઈલ નંબર મળતાં વોટ્સએપ પર ચેટિંગ શરૂ થયું હતું. જેમાં અમાંડાએ મુંબઈથી મોંઘા માહ્યલું Taraxahizon Raw Oil ખરીદી UK સપ્લાય કરીને તગડું કમિશન કમાવાની લોભામણી ઓફર આપી હતી.

ત્યારબાદ અમાંડાએ Taraxahizon Raw Oil ખરીદવા માટે મુંબઈની શિલ્પા યાદવનો સંપર્ક કરાવ્યો હતો. ગત તા. 3 જુલાઈના રોજ રોનકે રૂ. 1.12 લાખ ટ્રાન્સફર કરતાં શિલ્પાએ કુરીયર મારફતે 1 લિટર ઓઈલ કુરિયર દ્વારા મોકલી આપ્યું હતું. બે દિવસ બાદ અમાંડાએ એનાલિસીસ ટેસ્ટ સર્ટિફિકેટ કઢાવી, ઓઈલ સારું હોવાનું જણાવ્યું હતું.

અમાંડાએ પોણા બે કરોડથી વધુ કિંમતના 150 લિટર ઓઈલની જરૂર હોવાનું જણાવ્યું હતું. બ્રિટિશ એમ્બેસીમાંથી એક વ્યક્તિ વડોદરા એરપોર્ટ પર આવી પોણા બે કરોડના 60 ટકા એડવાન્સ પેટે આપી જશે. અને તે વખતે તે વ્યક્તિને 15 લિટર ઓઈલ આપવાનું રહેશે. અમાંડાની લોભામણી ઓફરમાં સપડાઈ ગયેલાં રોનકે શિલ્પા યાદવને 15 લિટર ઓઈલનો ઓર્ડર આપ્યો હતો. જેને એડવાન્સ પેટે ટુકડે ટુકડે રૂ. 8 લાખ બેન્ક મારફતે ટ્રાન્સફર કર્યા હતા.

બાદમાં શિલ્પાએ ક્રિષ્ના નામના શખ્સ સાથે ઓઈલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, રાત્રે 11 વાગ્યે પોલીસે વાપીથી 150 કીમી દૂર ક્રિષ્નાને પકડી હોવાનું જણાવ્યું હતું અને પોલીસ 6 લાખ માગતાં હોવાથી 2.20 લાખની મદદ કરવા કહ્યું હતું. જેને પગલે રોનકે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં શિલ્પા જણાવ્યું કે, ક્રિષ્નાને છોડી દીધો છે પણ લિક્વીડ લઈ લીધું છે જેથી હું 15 દિવસમાં ચુકવી આપીશ. આ વાતના થોડા દિવસ બાદ શિલ્પાનો ફોન સ્વિચ્ડ ઓફ આવ્યો હતો. આખરે રોનકે રૂ. 11.32 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ સાઈબર ક્રાઈમાં નોંધાવી હતી.

આ મામલે તપાસ કરી રહેલા ઇન્સ્પેકટર એન કે વ્યાસે જણાવ્યું હતું કે, રાજકોટના મોહિત જગદીશભાઈ પરમાર, નેવિલ અશોક શુકલા અને ઇમરાન ઇબ્રાહિમ કાઝીએ ભુજના એક વ્યક્તિનું એકાઉન્ટ મેળવી રોનકને ઝાંસામાં લઈ છેતરપિંડી કરી રૂ, 11.32 લાખ મેળવી લીધા હતા.  જો કે પોલીસ તપાસમાં નીકળી આવેલ ત્રણેય આરોપી હાલ સુરત જેલ ખાતે અન્ય ગુનાની સજા ભોગવી રહ્યા છે. જેથી કોર્ટમાંથી ટ્રાન્સર વોરંટ મેળવી ત્રણેય આરોપીઓનો કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud