• સત્તાવાર રીતે જુલાઇમાં ડેંગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાના માત્ર 18 કેસ જ નોંધાયા
  • મહાપાલિકાની આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા ગત મહિનાથી જ મચ્છર પ્રતિરોધક કામગીરી શરૂ કરવામાં આવી
  • જાન્યુઆરીથી ચાલુ ઓગષ્ટ મહિના સુધીમાં ડેંગ્યુના 19, મેલેરીયાના 16 અને ચીકન ગુનીયાના એક દર્દીની નોંધ

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તેની સામે હવે ડેંગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાએ જાણે માથું ઉંચકયું હોય તેમ આવા રોગોનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે સત્તાવાર રીતે જુલાઇમાં ડેંગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાના માત્ર 18 કેસ જ નોંધાયા છે. પરંતુ શહેરના ખાનગી દવાખાનામાં હાલ વાયરલ રોગચાળાના દર્દીઓની મોટી ભીડ જોવા મળી રહી છે. અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો હોવાથી આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે જઈ ચેકીંગ શરૂ કર્યું છે.

મહાપાલિકાની આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા ગત મહિનાથી જ મચ્છર પ્રતિરોધક કામગીરી શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને લોકોને માર્ગદર્શન આપવા સાથે બેદરકારી બદલ નોટીસ પણ આપવામાં આવી રહી છે. જાન્યુઆરીથી ચાલુ ઓગષ્ટ મહિના સુધીમાં ડેંગ્યુના 19, મેલેરીયાના 16 અને ચીકન ગુનીયાના એક દર્દીની નોંધ તંત્રના ચોપડે છે. તેમાંથી જુલાઇ માસમાં ડેંગ્યુના 9, મેલેરીયાના 7 અને ચીકન ગુનીયાનો એક કેસ આવ્યો છે. એટલે કે છ મહિનામાં જેટલા દર્દી નોંધાયા હતા તેના અડધા દર્દી જુલાઇમાં સામે આવ્યા છે. સાથોસાથ સીઝનલ રોગચાળાના કેસમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ચાલુ મહિનાના જ એક અઠવાડિયામાં શરદી,ઉધરસ, તાવના 573 કેસ આવી ચુક્યા છે.

આમ તો છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની હાજરી વચ્ચે અન્ય રોગચાળો લગભગ નાબુદ જેવો થઇ ગયો હતો. લોકો ખુબ તકેદારી રાખતા હોય અને લોકડાઉન, કફર્યુ સહિતના નિયમોમાં બંધાયેલા હોય, તે કારણે પણ આ સ્થિતિ સુધરી હતી. છતાં ચોમાસા વચ્ચે ચાલુ વર્ષે જ ડેંગ્યુની સાયકલ ફરી શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને આરોગ્ય – મેલેરીયા વિભાગની ટીમો દ્વારા લોકોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ માટે મનપાની આરોગ્ય અને મેલેરીયા શાખાની ટીમો જુદા જુદા વિસ્તારોમાં સર્વે અને માર્ગદર્શનમાં ઉતરી છે. જેમાં જાતે જોડાયેલા આરોગ્ય અધિકારી ડોકટર વાંજા પણ જોવા મળે છે.

ડેંગ્યુના લક્ષણો

– સખત તાવ

– માથા અને કમરમાં દુ:ખાવો

– સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો

– છાતી અને હાથ પર ઓરી જેવા દાણા

– ઉબકા-ઉલ્ટી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud