• કાર્ટૂન કેરેક્ટર્સ સાથે નીકળી ઉમેદવારોએ લોકો પાસે મતની માંગ કરી હતી.
  • ભાજપનાં આ નવીન પ્રયાસને કેટલાકે બિરદાવ્યો હતો, તો કેટલાકે તેની આકરી ટીકા પણ કરી હતી.
  • કોંગ્રેસનાં ઉમેદવારોએ પણ મોંઘવારીનાં વિરોધમાં શાકભાજીની લારી સાથે અનોખો પ્રચાર કર્યો હતો

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દીવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. તેમજ એક-એક મત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે રંગીલા રાજકોટ ખાતે વોર્ડ નંબર 7માં ભાજપ દ્વારા અનોખો કીમિયો અપનાવવામાં આવ્યો હતો. જેમાં કાર્ટૂન કેરેક્ટર્સ સાથે નીકળી ઉમેદવારોએ લોકો પાસે મતની માંગ કરી હતી. ભાજપનાં આ નવીન પ્રયાસને કેટલાકે બિરદાવ્યો હતો, તો કેટલાકે તેની આકરી ટીકા પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસના કામોની ખાલી વાતો જ થઇ છે. જયારે રાજકોટ વાસીઓને શહેરનો વિકાસ જોવા મળ્યો નથી. ત્યારે હવે મતદારોને રિઝવવા માટે વિકાસવીર ભાજપી ઉમેદવારોએ કાર્ટૂનનો સહારો લેવો પડ્યો છે.

રંગીલા રાજકોટના ચૂંટણી પ્રચારમાં અનેક રંગો જોવા મળી રહ્યાં છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે અલગ અલગ કીમિયા અપનાવી રહ્યાં છે. ત્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારો શેરીએ શેરી પદયાત્રા કરીને મતદારો સુધી પહોંચી રહ્યાં છે. ઉમેદવારો પોતાની સાથે તેમના સમર્થકોને લઇને ઘર ઘર સુધી પહોંચીને મત માટે અપીલ કરી રહ્યાં છે.

સાથે-સાથે ઉમેદવારોએ પોતાના પ્રચારમાં કાર્ટુન કેરેક્ટર્સને સામેલ કર્યાં છે. જેમાં કાર્ટૂનના વેશમાં અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે. કિસાનપરા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોએ તેમના કાર્યકર્તાઓને કાર્ટૂનનો વેષ ધારણ કરાવ્યો હતો અને આ કાર્ટુન કેરેક્ટર ગલીઓમાં લોકોનું મનોરંજન કરીને ઉમેદવારોનો પ્રચાર કરતા જોવા મળ્યા હતાં. આ પ્રચાર નિહાળવા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આગામી 21 ફેબ્રુઆરીએ રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી થવાની છે. જે અંતર્ગત રાજકીય પક્ષો જોરશોરથી મતદારોને રીઝવવા માટે લાગી ગયા છે. અને પ્રચારને ગણતરીના દિવસો બાકી હોય કોઈ કસર છોડવા માંગતા નથી. આજે કોંગ્રેસનાં ઉમેદવારોએ પણ મોંઘવારીનાં વિરોધમાં શાકભાજીની લારી સાથે અનોખો પ્રચાર કર્યો હતો. ત્યારે હવે પ્રજા પોતાની પસંદગીનો કળશ કોના માથે ઢોળે છે તે તો આવનારો સમય જ બતાવી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud