• આપઘાત કરતા પૂર્વે કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું
  • ત્યારબાદ અમુક મિનિટોમાં યુવકે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું
  • પ્રાથમિક જાણકારી મુજબ યુવકના પ્રેમલગ્ન થયાનું તેમજ પત્ની સાથે કોર્ટ કેસ પણ ચાલતો હોવાનું સામે આવ્યું

WatchGujarat. વાવડી રોડ નજીક રહેતા યુવક કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પૂર્વે કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, હવે મારાથી જીવાય એમ નથી મિતાલી… મરી જાવ પછી મારી લાશ પર રોવા આવજે.. ત્યારબાદ અમુક મિનિટોમાં યુવકે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. પ્રાથમિક જાણકારી મુજબ યુવકના પ્રેમલગ્ન થયાનું તેમજ પત્ની સાથે કોર્ટ કેસ પણ ચાલતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જાણો આપઘાત પૂર્વે ફેસબુક લાઈવમાં યુવકે શું કહ્યું

ફેસબુક પર લાઈવમાં કિશનભારથીએ પોતે જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતી મિતાલીનો ઉલ્લેખ કર્યો છે. અને કહ્યું છે કે, હવે મારાથી જીવાય એમ નથી મિતાલી હું મરી જાવ ત્યારે એકવાર મારી લાશ પર રોવા માટે આવજે,.. મેં તને પ્રેમ કર્યો એના બદલામાં તારા માબાપે મારી જિંદગી લઈ લીધી. તારા મા-બાપે મને એ હદે હેરાન કર્યો કે મારે મરવું પડે છે. મારા ઘરમાં હું સૌનો લાડલો. પણ હાલ હું દરોજ દરોજ મરું છું… હું આજે કોર્ટમાં એટલે જ આવ્યો હતો કે તારો મને જવાબ મળે કઈ વાંધો નહીં મિતાલી બાય…

વધુમાં કિશનભારથી કહે છે કે, તમે મારા મા-બાપને હેરાન કરીને તમે કોઈ કાર્યવાહી નહીં કરવા દો. હું મરી જાઈશ તો કોઈ પણ ફેર નહીં પડે. હું મીડિયામાં એટલે મૂકું છે કે મારા માબાપને કોઈનો તો ન્યાય મળે. કોક તો એવો માણસ હશે કે મારા માબાપનો સાથ આપશે. હું તારા ઘરે તને મળવા આવ્યો હતો. તારા માબાપે તને રૂમમાં પુરૂ દીધી કહ્યું કે જા રોડ પર જઈ મરી જા.. એક જ દુવા કરીશ ભગવાન પાસે કે બીજીવાર માણસનો અવતાર ન આપતો. બાય મિતાલી અલવિદા…. હું જાવ છું.’

ઘટના અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે. અને હાલ વી.પી.છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તેમણે જણાવ્યું હતું કે, મૃતકની પત્ની એક માસથી તેમના પિતાના ઘરે ચાલી ગઈ છે. અને બંને વચ્ચે કોર્ટ કેસ પણ ચાલે છે. યુવકે બનાવેલા વિડીયો પરથી તેને પત્નીનાં માતા-પિતાનો ત્રાસ હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ ખરેખર સચ્ચાઈ શું છે તે તપાસ બાદ જ જાણી શકાશે. હાલ પતિ-પત્ની બંનેના મિત્રો અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud