• ઈફ્કો દ્વારા ડીએપી ખાતરના ભાવમાં રૂ. 150 અને એનપીકે ખાતરના ભાવમાં રૂ. 285નો વધારો થયો છે
  • એનપીકે ખાતરનો નવો ભાવ 1,470 રૂપિયા થયો, તેમજ ડીએપી ખાતરનો નવો ભાવ 1,350 થયો છે
  • ડીઝલના વધેલા ભાવ બાદ ખાતરનો ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી છે

WatchGujarat. શહેરનાં રાજવી પેલેસ ખાતે આજે ક્ષત્રિય સમાજનાં 700 જેટલા કર્મવીરોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ જેવા દિગ્ગજો હાજર રહ્યા હતા. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરનાં ભાવ વધારા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, સબસીડીની મર્યાદા પુરી થઈ જતા કેન્દ્રએ નાછૂટકે ખાતરનાં ભાવ વધારવાની ફરજ પડી છે.

કૃષિમંત્રીનાં જણાવ્યા મુજબ, કોઈપણ સરકાર હોય તે હંમેશા પ્રજા ઉપર અને તેમાં પણ ખેડૂતો ઉપર ઓછો બોજો પડે તેવા પ્રયાસ કરતી હોય છે. પરંતુ હાલમાં સબસીડી આપવાની મર્યાદા પૂરી થઈ જતી હતી, અને બજેટ પર વધુ બોજો હોવાથી નાછૂટકે ખાતરના ભાવ વધારવામાં આવ્યા છે. રશિયા અને યુક્રેનનાં યુદ્ધને કારણે ખાતર માટે જરૂરી કાચામાલના ભાવો ત્રણગણા થઈ ચૂક્યા છે. એવામાં સરકાર પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જોકે રાજ્યમાં ખાતરની અછત ન સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ખેતી કરવી વધુ મુશ્કેલ બની રહી છે. ખેતીનો ખર્ચ વધીને બમણું થઈ ગયું છે. ખેતીમાં ખેડૂતોને આવક કરતા ખર્ચ વધી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે ડી.એ.પી. અને એન.પી.કે. જેવા પાયાના ખાતરોમાં ભાવ વધારો કરતા ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે, ઈફ્કો દ્વારા ડીએપી ખાતરના ભાવમાં રૂ. 150 અને એનપીકે ખાતરના ભાવમાં રૂ. 285નો વધારો થયો છે. એનપીકે ખાતરનો નવો ભાવ 1,470 રૂપિયા થયો છે. તેમજ ડીએપી ખાતરનો નવો ભાવ 1,350 થયો છે. ડીઝલના વધેલા ભાવ બાદ ખાતરનો ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.

Facebook Comments Box

Videos

Our Partners