• કોરોના કર્ફ્યુમાં બહાર નિકળતા લોકોના વાહનો પોલીસ ડિટેઇન કરે છે. જેને છોડાવવા માટે RTO કચેરી જવું પડે છે
  • 13 એપ્રીલે ચેટીચાંદ અને 14 એપ્રીલે આંબેડકર જયંતિ હોવાના કારણે સરકારી કચેરીઓમાં રજા હતી
  • સરકારી કચેરીમાં જ લોકોની ભીડ થવાને કારણે તેમના દ્વારા જ સરકારના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની ઘટના સામે આવી

Watchgujarat. સરકાર દ્વારા કોવિડની સ્થિતી પર કાબુ મેળવવાના આશયથી કોરોના કર્ફ્યુ લાદી દીધો છે. તેમ છતાં કેટલાક લોકો કોરોના કર્ફ્યુના સમયમાં બહાર નિકળતા તેમના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. બે દિવસ સરકારી કચેરીઓમાં રજા હતા. બે દિવસ બાદ ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે લોકોની RTO કચેરી બહાર લાંબી ભીડ જોવા મળી હતી. અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભુલાયું હતું.

ચુંટણી બાદથી વકરી રહેલા કોરોનાને નાથવા માટે સરકારી તંત્ર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. કોરોનાની સ્થિતી પર કાબુ મેળવવાના ઉદ્દેશ્યથી સરકારે રાત્રી 8 થી સવારે 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ લાદી દીધો છે. અને કોરોના કર્ફ્યુનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ તંત્ર દ્વારા નિભાવવામાં આવી રહી છે. તંત્રના લાખ પ્રયાસો છતાં લોકો રાત્રીના સમયે બહાર નિકળતા હોય છે. તેવા લોકોના વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરી લેવામાં આવતા હોય છે. ડિટેઇન કરેલા વાહનોને RTO કચેરી ખાતે જઇને છોડાવવા પડે છે.

13 એપ્રીલે ચેટીચાંદ અને 14 એપ્રીલે આંબેડકર જયંતિ હોવાના કારણે સરકારી કચેરીઓમાં રજા હતી. જેને પગલે બે દિવસમાં ડિટેઇન કરવામાં આવેલા વાહનોને છોડાવવા માટે RTO કચેરી પણ બંધ હતી. આજે ત્રીજા દિવસે કચેરી ખુલતાની સાથે મોટી સંખ્યામાં લોકો વાહનો છોડાવવા માટે પહોંચ્યા હતા. જેને લઇને કચેરીની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. અને કચેરીની અંદર લોકોના ટોળા જોવા મળ્યા હતા. આમ, કચેરીની અંદર અને બહાર કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. તેની સાથે કચેરીમાં માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનું હોવાથી કામનું ભારણ ઝડપી ક્લીયર થતું નહિ હોવાનું લોકોએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા એક તરફ ભીડ એકત્ર ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારે સરકારી કચેરીમાં જ લોકોની ભીડ થવાને કારણે તેમના દ્વારા જ સરકારના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે આ પ્રકારના કિસ્સાઓમાં ભીડ એકત્ર થતી અટકાવવા માટે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud