• 25 વર્ષીય આ નવયુવાનનો જોશ અને તેની કહાની સાંભળીને જ સૌની છાતી ગજ ગજ ફૂલી જશે
  • કોઈપણ કોચ, ટ્રેનર, સાધન, માર્ગદર્શન વિના સતત 6 વર્ષ સુધી તેણે આકરી ટ્રેનિંગ રસ્તા પર જ લીધી
  • આસામમાં રાઇફલ ટ્રેનિંગ કેમ્પમાં હાલ તેને પોસ્ટિંગ મળ્યું

WatchGujarat. દેશને પ્રેમ કોણ નથી કરતું ? પણ ઘણા ઓછા લોકો એવા હોય છે જેમનું દેશપ્રેમનું ઝનૂન જ કંઈક અલગ હોય છે. આજે વાત કરવી છે સુરતના આવા જ એક યુવાન વિશે. જેણે નાનપણથી જ દેશની સેવા કરવાનું મન બનાવી લીધું હતું. અને આખરે તેણે આ સપનાને પૂર્ણ કરીને જ જંપ લીધો.

વાત છે સુરતના ભટુ પાટીલનો. 25 વર્ષીય આ નવયુવાનનો જોશ અને તેની કહાની સાંભળીને જ સૌની છાતી ગજ ગજ ફૂલી જશે. ભટુ પાટીલ મહારાષ્ટ્રના કનેર ગામનો વતની છે. માંડ 2500 ની વસ્તી ધરાવતા આ ગામમાં મોટા ભાગના નવ યુવાનો સેનામાં જોડાયા છે. ભટુના પિતાએ પણ વે વખત સેનામાં જવા માટે પ્રયત્ન કર્યા હતા. પણ તે કોઈક કારણોસર શક્ય બન્યા ન હતા.

ત્યારથી જ ભટુમાં દેશની સેવા કરવા માટે ભારતીય સેનામાં જોડાવાના બીજ રોપાયા હતા. સુરતમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ આઈટીઆઈ કર્યું હતું. તે પછી નાનું મોટું કામ કરીને તે મદદ કરતો હતો. પણ તેનો લક્ષ્યાંક માત્ર એક જ હતો અને એ હતું સેનામાં ભરતી થવું. પરિવારનો એકનો એક દીકરો હોવાથી તેની માતાનું મન નહોતું માનતું. પણ ભટુએ નક્કી કરી લીધું હતું તેના લક્ષ્ય સુધી પહોંચવાનું. સુરતમાં સડકથી સરહદ સુધી ચાલતા નવયુવાનોના ગ્રુપમાં તે જોડાયો.  કોઈપણ કોચ, ટ્રેનર, સાધન, માર્ગદર્શન વિના સતત 6 વર્ષ સુધી તેણે આકરી ટ્રેનિંગ રસ્તા પર જ લીધી.

સમય મળતા આ ટ્રેનિંગ તે લેતો રહ્યો. સાથે જ સેનામાં ભરતી થવાની પરીક્ષા પણ આપતો ગયો. મેડિકલ એક્ઝામમાં એક બે વાર નહિ પણ સતત 23 વાર તે નિષ્ફળ રહ્યો. પણ આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના તે પોતાના ધ્યેય તરફ આગળ વધતો ગયો. અને આખરે એક દિવસ એવો આવ્યો જ્યાં તેણે જોયેલું સપનું પૂરું થયું. આસામમાં રાઇફલ ટ્રેનિંગ કેમ્પમાં તેને પોસ્ટિંગ મળી ગયું. જ્યાં તાજેતરમાં જ તે સુરત પરત ફર્યો ત્યારે તેના સાથી મિત્રોનો ઉત્સાહ ફુલ્યો ન સમાયો. સુરતના ગૌરવ કહી શકાય એવા આ યુવાનને ફૂલ હારથી વધાવી લેવાયો.

ભટુએ માત્ર તેના પિતાનું જ સપનું પૂર્ણ કર્યું એવું નથી. પણ દેશની સેવા કરવાનું સપનું જોતા એ દરેક નવયુવાનોને નવો જોમ અને જુસ્સો પણ આપ્યો છે કે જો દેશપ્રેમની સાથે મહેનતનુ ઝનૂન સાથે રાખવામાં આવે તો બધું જ શક્ય છે.

Facebook Comments Box

Videos

Our Partners