• મોક્સી ગામમાં રહેતા યુવક – યુવતિએ મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
  • સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા
  • બંને એક જ જ્ઞાતીના હોવાથી તેઓને પરિવારજનો લગ્નની મંજૂરી આપશે નહિં તેવા ડરે યુગલે જીવન ટુંકાવ્યાનું પ્રાથમિક તારણ

WatchGujarat. સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમિ પંખીડાએ મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી આપશે નહિં. તેવા ડરથી પ્રેમિ-પંખીડાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લીમડાના ઝાડની ડાળી ઉપર દોરી બાંધી હાથમાં હાથ નાંખી પ્રેમિ પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા દોડકા અને મોક્સી ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મોક્સી ગામમાં રહેતા 21 વર્ષિય હરીશ બુધાભાઇ ચાવડા અને સીમાબહેન બળવંતભાઇ ચાવડાએ મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે દોડકા ગામના લોકોએ ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર પ્રેમિ પંખીડા ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. અને આ બનાવની જાણ ભાદરવા પોલીસને કરતા તુરતજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને પ્રેમિ પંખીડાની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

દોડકા અને મોક્સી ગામમાં ભારે ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકના જવાન દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી વિગત બહાર આવી કે, હરીશ ચાવડા અને સીમા ચાવડા મોક્સી ગામની સીમમાં રહેતા હતા. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ હતો. બંને અવાર-નવાર મળતા હતા. પ્રેમના દિવસોમાં બંનેએ લગ્ન કરવાના એકબીજાને કોલ આપ્યા હતા. પરંતુ, બંને એક જ જ્ઞાતીના હોવાથી તેઓને પરિવારજનો લગ્નની મંજૂરી આપશે નહિં. તેવો ડર સતત સતાવતો હતો.

મળેલી માહિતી પ્રમાણે પ્રેમમાં ગળાડૂબ હરીશ અને સીમા એકબીજા વગર જિંદગી પસાર કરી શકે તેમ ન હતા. તેઓએ નક્કી કર્યું હતું કે, પરિવાર અને ઋઢીચુસ્ત સમાજ ભલે લગ્ન કરવાની મંજૂરી ન આપે. પરંતુ, પરિવાર અને સમાજ સાથે જિંદગીને અલવિદા કરવામાં રોકી શકશે નહિં. હરીશ અને સીમાએ પોતાના પ્રેમને અમર રાખવા માટે નક્કી કર્યા મુજબ ગુરૂવારે મોડી રાત્રે ઘરમાંથી નીકળી ગયા હતા. અને દોડકા ગામની સીમમાં ભેગા થયા હતા. બુધવારે રાત્રે લગભગ 2.30 વાગ્યાના સુમારે સીમાના પરિવારજનોને સીમા ઘરમાં ન હોવાની જાણ થતાં, વહેલી સવાર સુધી શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન તેઓને દોડકા ગામની સીમમાં સીમાએ તેના પ્રેમી સાથે લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ લીધો હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા.

આજે સવારે દોડકા ગામના લોકોને આ બનાવની જાણ થતાં કુતૂહલવશ ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે આ બનાવની જાણ ભાદરવા પોલીસ અને પ્રેમી-પંખીડાના પરિવારજનોને થતાં તેઓ પણ દોડકા ગામની સીમમાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસને ઘટના સ્થળ પાસેથી પાણીની બોટલ અને એક ભુરા કલરનું પ્રવાહી ભરેલી બોટલ મળી આવી હતી. પોલીસે પ્રિમી પંખીડાની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાદરવા પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud