બોસ, હું ગોધરાકાંડ સહિતના કોમી રમખાણોથી માંડી છૂટાંછવાયાં પત્થરમારાનાં બનાવોનો સાક્ષી રહ્યો છું. એવા બનાવો ટાણે પોલીસ અધિકારીઓની – કર્મચારીઓની કામગીરી મેં પ્રત્યક્ષ નિહાળી છે. પણ, લોકડાઉન અને ત્યારબાદ રાત્રિ કર્ફ્યુ… સોરી નવા નામકરણ મુજબ કોરોના કર્ફ્યુમાં પોલીસ કર્મીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે… એ કાબિલેદાદ છે. સાચે… હું કારણો જણાવી શકું છું… જુઓ એટલે કે વાંચો…

બોસ, રમખાણ જેવી અરાજકતા ભરેલી ઘટનાઓ ટાણે કેવી કામગીરી કરવી? એની પોલીસને ટ્રેનિંગ પ્રાપ્ત થયેલી હોય છે. અરાજકતાના પગલે લદાતાં કર્ફ્યુમાં તો પોલીસને ખબર હોય છે કે ચોક્કસ શું કરવાનું છે. (આમ તો મોટેભાગે ઉપરી અધિકારીના આદેશનું પાલન જ કરવાનું હોય છે) પત્થર – લાકડીઓ લઈને ટોળું દેખાય એટલે ત્યાં હાજર પોલીસ કર્મીઓએ સંતાવાની જગ્યા શોધવાની હોય… સોરી એટલે કે, ટોળાં પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરવાની હોય. ટીયરગેસના સેલ અને દંડાના સહારે બને એટલું બળ વાપરવાનું હોય. વગેરે વગેરે…

કોરોના કર્ફ્યુએ બિચારા પોલીસ કર્મીઓને સાવ ગૂંચવણમાં નાંખી દીધા છે. ‘પ્રજાહિત’ માટે કર્ફ્યુની ટ્રેનિંગ લઈને બહુ જ નાની – મોટી કમાણીની આશાએ પોલીસ તંત્રનો ભાગ બનેલાં, બિચારા પોલીસ કર્મીઓ કોરોના કર્ફ્યુમાં સાવ મૂંઝાઈ ગયાં છે. પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજકીય આદેશોનું પાલન કરતાં ગાંધીનગર બેઠેલાં મોટાં અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓએ અનેક આપદાઓ છતાં કોરોના કાળમાં સૌથી સારી કામગીરી કરી હોય તો રાત્રિ કર્ફ્યુ મિન્સ કે કોરોના કર્ફ્યુમાં… આખો દિવસ માસ્ક પહેર્યા વગરના – નાકથી નીચે માસ્ક લટકાવીને ફરતાં – કારમાં માસ્ક પહેર્યા વિના નિકળેલાં લોકોને શોધવાના… એમની સાથે મગજમારી કરીને ટાર્ગેટ પુરો કરવા દંડ ફટકારવાના… કોરોનાને રોકવા પોલીસે શું શું કરે છે? કોઈને સ્હેજપણ ખ્યાલ છે ખરો?

કર્ફ્યુનો સમય શરૂ થવાનો હોય એની 10 મીનીટ પહેલાં એલર્ટમાં આવી જતાં કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓ – ઉપરથી મળેલાં આદેશનું પાલન કરાવવા કડક સ્વરૂપ ધારણ કરી લે છે. તો બીજી તરફ, બેરીકેડ ગોઠવવાની ફાવટ ધરાવતો અથવા એક્સપર્ટ થઈ ગયેલો એક અલાયદો સ્ટાફ… ચુસ્તીપૂર્વક બેરીકેડ ગોઠવવામાં લાગી જાય. એકંદરે, કોરોના કર્ફ્યુનો રોજ રંગેચંગે પ્રારંભ થાય છે.

કોરોના કર્ફ્યુ શરૂ થાય કે તરત જ પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ માનવતા છોડી દેતાં નથી. પાંચેક મિનિટ સુધી વોર્મઅપ સમય જવા દે અને પછી મુખ્ય માર્ગો પર ટોળે ટોળાં વળીને કર્ફ્યુ ભંગ કરનારા તત્વોને ઝડપી પાડવા ગોઠવાઈ જાય. કોરોના કર્ફ્યુમાં પીધેલાં કે બાટલી લઈને નિકળનારા તત્વો સંયમ રાખી રહ્યા હોવાથી બિચારા પોલીસ કર્મીઓને હક્કની આવક પ્રાપ્ત થઇ રહી નથી. છતાં નિષ્ઠાપૂર્વક પોલીસ કર્મીઓ કોરોના કર્ફ્યુનું કડક પાલન કરાવવા આંખોમાં કરડાકી આંજીને ઉભા થઈ જતાં હોય છે. કારણ શું છે કે, કોરોના કર્ફ્યુનો ભંગ કરવા નિકળી પડનારા લોકો હોસ્પિટલ જવાના કે ઘરમાં કોઈ બિમાર હોવાના જેવાં ખોટાં બહાના કાઢીને ચા – નાસ્તો ગોતવા શહેરમાં નિકળી પડતાં હોય છે. ચા – નાસ્તાની લારીઓ ભલે બંધ કરાવી દીધી હોવાની પોલીસ કર્મીઓને ખબર હોય છે એટલે ખાલી શહેરમાં રખડવાં નિકળેલાંનો સમય બગડે નહીં એવા આશયથી જ પોલીસ કર્મીઓ એની આકરી પુછપરછ કરીને એને ઘરે પાછો જતો રહેવા સમજાવવા માટે કડક વલણ અપનાવે છે. પોલીસ કર્મીઓ લોકોનું મોંઘા ભાવનું પેટ્રોલ બચાવવાનો પ્રયાસ કરે છે અને લોકો પોલીસે ખોટાં હેરાન કર્યાની ખોટી બૂમો પાડતાં હોય છે. ખરેખર, પોલીસની હાલત વહુ – વરસાદ જેવી છે. કોઈ વાતે જશ ના મળે… (અત્રે જે પોલીસ કર્મીને જશ ખાટતાં આવડે છે એમણે પાઘડી ઉતારી નાંખવી)

અહીં એક આડવાત કરી લઉં… કેટલાંક વાંકદેખા બુદ્ધિવગરના લોકોનું એવું માનવું છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ કર્મીઓની ઉદ્ધતાઈ અને તોછડાઈ વધી ગઈ છે. લબરમુછીયા પોલીસ કર્મીઓને તો જાણે ખાખી પહેરીને એ ખાદીધારી હોય એવા વહેમ સાથે કારણ વિના કરડાકી દાખવતાં હોય છે. પણ, હું આ લોકોની વાત સાથે સહમત નથી… સ્હેજપણ નહીં… રસ્તા પર ઉભો રહીને તોછડાઈ કરતો પોલીસ કર્મી ઉપરથી આવી રહેલાં પ્રેશરને પ્રજા સમક્ષ રિલિઝ કરતો હોય છે. એમાં બિચારાનો શું વાંક!!?

કોરોના કર્ફ્યુમાં એકથી દોઢ કલાક સુધી ચુસ્ત કામગીરી કરવા માટે પોલીસ કર્મીઓએ થોડી સખ્તાઈ તો દાખવવી જ પડેને… અને પોલીસ જો થોડી કડકાઈ ના દાખવે તો આપણી પ્રજા માને ખરી? ભારતીય પ્રજાને ખાખીનો ડર જ ક્યાં છે? આ તો ભલુ થાય પોલીસ તંત્રનું કે રાત્રે કોરોના કાબૂમાં રહે છે, બાકી જો એ લોકો એક – દોઢ કલાકની ચુસ્ત કામગીરી ના કરે તો કોરોના ઘરે ઘરે પહોંચી જાય.

કોરોના કર્ફ્યુમાં એકથી દોઢ કલાક પરસેવો પાડ્યા બાદ બિચારા પોલીસ કર્મીઓ સ્હેજ આરામ ફરમાવે કે સ્માર્ટફોનનો ઉપયોગ કરે એ પણ ઘણાં લોકોથી નથી જોવાતું.. અને કેટલાંક હોંશિયાર લોકો એવાં છે જે કોરોના કર્ફ્યુ શરૂ થયાંના બે કલાક બાદ આરામ ફરમાવતી કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતી પોલીસને જોવા જ બહાર નિકળે છે.

હાલના સમયમાં સાચું કહું એ તો માત્ર ખોટું કહેવા માટે જ કહેવાય છે. ત્યારે સાચું કહું, કોરોના સંક્રમણ અત્યાર સુધીમાં કાબૂમાં રહ્યો છે એમાં સૌથી મોટું યોગદાન પોલીસ વિભાગનું જ છે. આતો, રાજકારણીઓ સામે એમનું કંઈ ચાલતું નથી એટલે… જનતાએ ચૂંટેલાં મહાનુભાવોને તો પોલીસે ભાવ આપવો જ પડે એટલે… બાકી, પોલીસે કોરોનાને તો ક્યારનો કસ્ટડીમાં પુરીને સચબોલ સુંદરીનો પ્રસાદ આપી દીધી હોત.

મારું તો માનવું છે કે, કોરોના રોકવા માટે હવે T – T – T ને નેવે મુકી દેવો જોઈએ… અને જબરદસ્ત આયોજન કરીને રાત્રિ કર્ફ્યુમાં કોરોના સંક્રમણને નિઃસ્વાર્થ ભાવે અટકાવતાં નિષ્ઠાવાન, ફરજપરસ્ત, ભ્રષ્ટાચાર – લાંચ વિરોધી બાહોશ પોલીસ તંત્રનાં હાથમાં મામલો સોંપી દેવો જોઈએ. ભગવાનની સાક્ષીએ કહું છું, દિવસે લાખ્ખોનો દંડ ઉઘરાવતાં પોલીસ કર્મીઓ રાત્રે કરોડો ઉઘરાવીને કોરોનાને એવો ભગાડશે કે એ હિમાલય કુદીને સીધો ચીન પહોંચી જશે.

(ખાસ નોંધઃ- વડોદરા શહેરમાં શિવરાત્રિ પર્વે કોરોના કાળમાં નિકળેલી ‘શિવજી કી સવારી’માં મોટી સંખ્યામાં ટોળાં જામ્યાં હતાં. જેને પગલે કોરોના સંક્રમણ વકરે તો જવાબદાર કોણ? એવાં પ્રશ્નના ઉત્તરમાં શિવજી કી સવારીના આયોજક એવાં મંત્રી યોગેશ પટેલે ભગવાનને જવાબદાર ગણાવ્યા હતાં. બાદમાં કોરોના સંક્રમણ વધ્યું પણ તંત્ર દ્વારા ભગવાનની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતાં. તેવી જ રીતે આ લેખ મેં લખ્યો નથી, ભગવાને સુઝાડેલી બુદ્ધિ પ્રમાણે લખાયો છે. તેથી કોઈને લેખ સામે વાંધો હોય તો 33 કરોડ દેવી – દેવતાં પૈકીના કોઈપણ એક ભગવાનને જવાબદાર ગણી. એમની સમક્ષ રોષ વ્યક્ત કરવો. ધન્યવાદ)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud