આપે જો ‘પેકેજ ટૂર’ લીઘી છે, તો બાલીનો તો કોઈ પણ ટુરિસ્ટ એજન્ટ આપને લીસ્ટમાં આ જગા નહી આપી શકે ! બાલીથી ૨ કલાકના અંતરે આવેલ એક અતી-રમણીય અને શાંત, દરિયા કિનારાઓમાં પણ એક આગવું નિસર્ગ વૈવિધ્ય ધરાવતો ટાપુ- ‘નુસાપેનીડા’..! દરિયા પ્રેમીઓ માટે ‘સેવેન્થ હેવન’ છે !! ક્યાંક લીલું, ક્યાંક વાદળી- પારદર્શક પાણી, અને એમાં લાલ-પીળી માછલી ! આ માછલીઓ સાથે અન્ડર-વોટર તરતી, બીકીની-વેર ભૂરી માછલીઓ પણ ધ્યાન-આકર્ષે છે !

પ્રોફેશનલ ફિશિંગ નેટ લઇને ફીનીશીંગનો આનંદ લેનારા મોજીલાઓ પણ આપને નજરે ચઢે ! મોટા ભાગે અહીં સવારથી સાંજ આવનારા પ્રવાસીઓ રહે છે પણ આ જગાનો ખરો પરિચય ઓવર -નાઈટ સ્ટે-કરવામાં છે ! અહીં હજી હોટેલ્સ કે રાત્રી રોકાણની ઝાઝી સુવિધાઓ ઉપલભ્ધ નથી પણ ૧૫૦૦ -૨૦૦૦ રૂપિયા ખર્ચતા…આપને અહીં  સ્થાનિક રેહવાસીઓ દ્વારા ચલાવવામાં આવતું ‘હોમ સ્ટે’ મળી શકે છે અને જ્યાં તેઓ આપની તમામ જરૂરીયાતોનું અતિ-સ્વચ્છતા સાથે ધ્યાન રાખે છે ! હવે વાત કરીએ કે નુસા-પેનીડા પહોંચવું કઈ રીતે !?

આપના આશ્ચર્ય વચ્ચે જયારે આપ વિવિધ ‘ટ્રાવેલ એજન્સી’ની તપાસ કરશો તો ખ્યાલ આવશે કે દરેકના ભાવ- જુદાં છે !! કારણકે ઉબુદમાં ઠેર ઠેર પેકેજ બોર્ડ મારેલા હોઈ, જેવું જેનું કમીશન !! એવી વાત છે. એટલે આપ જો ‘સેલ્ફ-પ્લાન્ડ’ ટ્રીપ પર છો, તો આપ કુતાથી ઉબુદ જવાના માર્ગે, ’સાનુર બીચ’ આવે છે, જે નુસા પેનીડા જવા માટેનું જંકશન છે !! અહીંથી ફેરી -સ્પીડ બોટ અને મીની જ્હાઝ, આપને લઇ જશે નુસા-પેનીડા !! જે ભાવ આપે ઉબુદના બજારમાં બોર્ડ પર વાંચ્યા હશે કે ડ્રાઈવર પાસેથી જાણયા હશે એનાથી, અડધા ભાવે અહીંથી  ટીકીટ લઈને, નુસા પેનીડાનો પ્રવાસ થશે ! (૨૫૦૦/- પ્રતી વ્યક્તિ), જે એજન્ટ થકી ૫૦૦૦ સુધીમાં પડે છે જેમાં ૧ સમયનો નાસ્તો,પાણી, અને લંચની વ્યવસ્થા રહે છે અને સંધ્યા પૂર્વે પરત ફરાય છે.  બાલીમાં લાંબો સમય પસાર કરનાર પ્રકૃતિ -પ્રેમીઓ, દ્રઢપણે એવું માને છે કે બાલી સાથે જો નુસાનો પ્રવાસ ન કર્યો તો, બાલી-ટૂર અધુરી ગણાય !!

આતો જેના રૂંવે-રૂંવે પ્રવાસ રમતો હોય એવા જીવોની વાત છે બાકી પ્રવાસના પણ ઘણા પ્રકાર છે અને એ પ્રમાણે પ્રવાસીઓના પણ જેમકે  ‘રેલક્ષેશન એન્ડ લકઝરી’- જેમાં રિસોર્ટ, સ્પા-સલૂન, કાર સાઈટ સીન, શોપિંગ..! બીજો હોય છે ‘પ્લેસ-સ્પેસિફિક‘ જેમાં આપ એ સ્થળે અવારનવાર જવાનું પસંદ કરો છો, તેના વિષે બધુજ જાણો છો ! એક સ્થળે પોન્હચ્યા પછી…એ..જ જગા માણવામાં આપને રસ પડે છે. ‘બીઝ્નેસ-ટુર’ જેમાં મોટા ભાગે આપ હોટલમાં ઉતરી, જરૂરી મીટીંગ નીપટાવી -એરપોર્ટથી જે દુકાન હાથ લાગી એમાંથી કોઈ સુવીનીયર લેતા પૂરું કરો છો!!

‘ફેમીલી ટૂર’- જેમાં સૌની સગવડ, મૂડને મત આપવામાં, પોતાની ઘણી અંગત ઈચ્છાઓને આપ ન્યાય આપી શકતા નથી, પણ પોતાનાઓ સાથે હોવાનો આનંદ રહે છે ! ‘પેકેજ ટૂર’ તમને ફિક્ષ થાળીની જેમ બધુંજ ઉતાવળથી થોડું-થોડું જમાડવામાં આવે, અને એમાં ક્યારેક ઢોકળાં બહુ ખાવામાં બીજીવારનો રસ પીવાનું રહી …જ જાય !! સમજ્યાને ?? ‘અન્પ્લાન્ડ- ટૂર’ જે મોટા ભાગે યુવાનો અને એ પણ ભારતના સ્થળોમાં આપ રિસ્ક લઇ શકો છો, જ્યાં આપને જોવાલાયક સ્થળો ખબર છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ ખબર છે અને પૂછતા-તપાસતા હોટલ મેળવી લેશું…..એવી માનસિકતા સાથે મિત્રો, ડેટા રીચાર્જ અને GPSના સહારે મસ્તીભર્યો પ્રવાસ ખેડે છે!

‘ધાર્મિક’ અને ‘એડવેન્ચર’ એ બેઉ એવા પ્રવાસ છે જેમાં ‘લાઈક માઈન્ડેડ’ ગ્રૂપ હોય તો મૌજે દરિયા ! ટ્રેન હોય કે બસ, બધા ‘અંબે માત કી જય’ સાથે..જ લલકારે અને એડવેન્ચરના કેસમાં શરીર, સાધન, ખોરાક સામગ્રી, પ્રવૃત્તિ અને પ્રકૃતિ બેઉ પડકારજનક હોય છે ! મેં નવી આપેલી વ્યાખ્યામાં  ‘ગુજરાતી-પ્રવાસ’, જેમાં સાદું રસોડું, જૈન રસોડું, કોરા નાસ્તા, અગિયારસ-પૂનમની કાતરી, થેલાની ચેઈન ફાટી જાય ત્યાં સુધીના ઠસો-ઠસ ભરેલા કપડાં- નવો થેલો ખરીદવો પડે એટલી નવી શોપિંગ કરો ત્યારે પ્રવાસ પૂરો થાય છે !

એક છે ‘ભૂરીયા-પ્રવાસ’ જેમાં જે તે સ્થળનો નકશો-ચોપડી(સ્થળના ઇતિહાસની)અચૂક રહે છે, વણખેડ્યા પર્યટન સ્થળોની યાદી, ડોલર, કેમેરા, પાવરબેંક અને પેહર્યા ઉપરાંતના એક ચડ્ડી-બંડી..જ રહે છે !! હવે એ જાણીએ કે ‘નુસા-પેનીડા’ની બોટમાં બેઠા પછી શું ? આખો દિવસ આ ટાપુ પર કઈ રીતે પસાર કરવો…??  લેવો પડશે અહીં એક બ્રેક ..!! વાંચતા રહો ‘બ્યુટીફૂલ બાલી’!! WatchGujarat

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !