(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

તારા દિલની વાત તું બેધડક કહી દે. -  જીતુભાઈ પંડ્યાની #સીધીવાત
સીધીવાત

માણસની જિંદગીમાં નિષ્ફળતા મળવા માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, પણ તેમાં સૌથી મોટું કારણ છે શરમ-ડર, કે જેને કારણે સામાવાળાને એ વાત જ કરી શકતો નથી. #સીધીવાત

આપણે વાત કરીશું અને સામાવાળો ના કહી દેશે એ ભયે આપણે વાતની શરૂઆત કરતા નથી. પણ આપણે એટલું સમજવું જોઈએ કે આપણે કોઈને કશું પણ પૂછીશું, તો મોટે ભાગે એનો જવાબ ‘હા’ કે ‘ના’માં જ આવે છે. એટલે ‘હા’માં જવાબ આવવાની સંભાવના ૫૦ ટકા જેટલી ઊંચી છે. તો પછી પૂછી શા માટે લેતા નથી? અને જે વાત આપણે કરીએ છીએ તેમાં ના સાંભળવા સિવાય આપણને મોટું કોઈ નુકસાન થવાનું નથી હોતું. ખાસ કરીને પ્રેમ પ્રકરણોમાં આ વાત ખૂબ સાચી પડે છે.

તમે તમારાથી ખૂબ જ ખૂબસૂરત યુવક કે યુવતી તરફ આકર્ષાયાં છો, તમારો દેખાવ સાવ સામાન્ય છે, તો તમારે તો એક પ્રશ્ન કરવાનો છે કે, તું મને ચાહે છે? પણ ‘એ ના પાડશે તો?’ એ ડરથી આપણે પૂછી શકતાં નથી. પણ એણે જો હા પાડી દીધી, તો લોટરી લાગી જશે તેવું વિચારીને તો પૂછી લો. પણ આપણે વિચારતાં જ રહીએ છીએ અને સ્કૂલ કે કોલેજનો એ સમય પસાર થઈ જાય છે, અને પછી માત્ર યાદો રહી જાય છે.

હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે વિદ્યાર્થી નેતા હતો. ફેકલ્ટી રિપ્રેઝન્ટેટિવ હતો. હું મારા એક મિત્ર સાથે બીજા એક વિદ્યાર્થી નેતાને મળવા ગયો. તે જમાનામાં ફોન પણ બહુ નહીં. અમે એને ઘેર ગયા ત્યારે એ બહાર ગયેલો. અમે પાછા નીકળવા જતા હતા, ત્યાં જ પવનના વાવાઝોડાની જેમ એક સુંદર યુવતી અમારી પાછળ આવી. મને કહે, “ભાઈ તો બહાર ગયો છે પણ તમે આવો અને બેસો. ભાઈ હમણાં આવી જશે.” #સીધીવાત

અમે પાછા ફર્યા અને બેઠા. એ યુવતી રૂપરૂપનો અંબાર, એવી જ બોલકી અને એવી જ ઇન્ટેલિજન્ટ. એ હોમસાયન્સમાં ભણે. મીસ ફેમિના ઇન્ડિયામાં ભાગ લઈ આવેલી.

કોલેજની અને સમાજની વાતો ચાલી. મારા મિત્ર કંટાળ્યા. મને કહે, “હું જઉં છું, તું બેસ.” અમારી વાતો આગળ ચાલી. અમે બાર વાગ્યાથી વાતોએ વળગ્યાં હતાં. એક વાગવા આવ્યો. મે કહ્યું, “હું હવે નીકળું. ભાઈ જલ્દી આવે તેમ લાગતું નથી.”

એ મને બહારના દરવાજા સુધી મૂકવા આવી. મે એને સીધું જ કહ્યું, કે હું તમને ખૂબ ચાહવા લાગ્યો છું, તમે મને પસંદ છો. શું તમે મને પસંદ કરો છો?

આ અમારી પહેલી જ મુલાકાત હતી. હું તો સાવ લઘરવઘર, ખાદીના લેંઘા-ઝભ્ભામાં ફરું. પગમાં કોલ્હાપુરી ચંપલ અને કોઈ વાતનાં ઠેકાણાં નહીં. એ કરોડપતિ બાપની બેટી. #સીધીવાત

એણે મારી સામે જે રીતે આંખો પટપટાવી આજે પણ મને યાદ છે. એણે મને કહ્યું, “હા જીતુ, મને તું ગમી ગયો છું. હું પણ તને ચાહવા લાગી છું.”

અમારા બંને વચ્ચે કોઈ વાતની સરખામણી નહીં. એ ચંપો અને હું આકડો. પણ મને પહેલી જ મુલાકાતમાં જવાબ મળી ગયો. અમારા બંનેની જોડી આખી યુનિવર્સિટીમાં મશહુર થઈ. સાથે ફર્યાં, ખૂબ પ્રેમ કર્યો. ખેર, અમે પરણી ન શક્યાં. #સીધીવાત

આમાં મજાની વાત એ થઈ હતી કે, દસ-પંદર દિવસમાં જ અમારો પ્રેમ જાગજાહેર થઈ ગયેલો. હું વિદ્યાર્થી નેતા અને એ બ્યુટીક્વિન. અમારો એક કોમન ફ્રેન્ડ મને મળ્યો. મને કહે, “જીતુભાઈ, મારે તમને એક વાત કહેવી છે.”

હવે આ મિત્ર પણ કરોડપતિ બાપનો દીકરો. ખૂબ હેન્ડસમ, ખૂબ સ્ટાઇલિશ. મને કહે હું અને આ છોકરી નાનપણથી જોડે ભણેલાં. મને આઠમા ધોરણથી એ ખૂબ ગમતી. એ કોલેજમાં આવી ત્યારથી મને રોજ થતું કે હું એને કહી દઉં, કે હું તને ચાહું છું. પણ હું કહી ના શક્યો. મને પૂછે કે જીતુ, તેં એને પૂછવાની હિંમત કેવી રીતે કરી? #સીધીવાત

મે કહ્યું, “બસ, પૂછી નાખ્યું. ત્યારે હું જાણતો ન હતો, કે તે મને હા કહેશે કે ના. મને કદાચ લાફો પણ મારી દેત. પણ મારે એનો જવાબ લીધા વગર જવું ન હતું. એટલે મેં ના સાંભળવાની હિંમત રાખી અને મને હા સાંભળવા મળી.”

આજે પણ મને લાગે છે મારા એ મિત્રે યુવતીને ક્યારે પણ પૂછી લીધું હોત કે “તું મને ચાહે છે?” તો મારા કરતાં એને માટે હા પાડવાની સંભાવના ખૂબ જ વધારે હતી. પણ કમનસીબે એ પૂછી જ ના શક્યો. #સીધીવાત

તો મારી સલાહ છે, કે જો તમે વરસોથી કોઈને પૂછવાનું વિચારતા હોય કે “તું મને ચાહે છે” તો બેઝિઝક પૂછી લો. બને કે ર્સ્વગના દરવાજા તમારા પૂછવાની જ રાહ જોતા હોય અને ખૂલી જાય.

ભાગ્યના બંધ દરવાજા ખૂલવાની રાહ જોતા જ હોય છે. આપણે પૂછ્યા વગર જ આગળ નીકળી જતાં હોઈએ છીએ.

 

More #સીધીવાત #Sidhi vat #Jitubhai Pandya #Gujarati #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud