(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

દિલ્લી, યુ.પી. અને બિહારમાં બળાત્કારોની વણઝાર થંભવાનું નામ જ લેતી નથી. દેશી -વિદેશી કોઈ મહિલા સલામત નથી. કારમાં, પાર્કિંગમાં, લોજમાં, હોટલમાં, બસમાં બળાત્કારો થતા જ રહે છે. સરકારના લાખ પ્રયાસ છતાં આમાં કોઈ ઓટ આવતી નથી.

ત્યારે વિચાર આવે છે કે આવું શા માટે થાય છે?

વડોદરા-ગુજરાતમાં અડધી રાત્રે પણ કોઈ યુવતી એકલી પોતાની સ્કૂટિ કે સાયકલ લઈ આખું શહેર પસાર કરી ભય વગર બીજે છેડે જઈ શકે છે. જયારે દિલ્હી, યુ.પી. અને બિહારમાં તો મર્દ પણ પોતાને સલામત માનતો નથી. આનું સામાજિક કારણ તપાસવું પડે તેમ છે.

આપણી માન્યતા એવી છે કે સમાજનું બંધારણ જે તે સમાજના સજ્જનો અને વિચારકો નક્કી કરે છે. સમાજનો બૌદ્ધિક વર્ગ નક્કી કરે છે પણ હકીકતમાં એવું હોતું નથી.

કોઈ પણ સમાજનો સજ્જન વર્ગ તો એક સરખો જ હોય છે. સજ્જન માણસની વ્યાખ્યા કરીએ તો  એવો માણસ જે બીજાની મિલકત અને સ્ત્રી પર નજર બગાડતો નથી. જે સમાજે અને સરકારે બનાવેલ દરેક કાયદા-કાનૂનનું પાલન કરે છે. જે બીજાની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખે છે.જે વ્યક્તિ ધર્મભીરુ છે અને પાપથી દૂર રહે છે.

હવે આ માપદંડથી તો વડોદરા-ગુજરાતના સજ્જન અને દિલ્હી, યુ.પી., બિહારના સજ્જનમાં કોઈ ફેર નથી. બધા સજ્જનો સજ્જનતાના માપદંડમાં એક સરખા જ ખરા ઊતરે છે.

તો પછી વડોદરા-ગુજરાતમાં સ્ત્રીઓ આટલી બધી સલામત છે અને દિલ્હી, યુ.પી., બિહારમાં કેમ નથી?

તો જવાબ છે કે જે કોઈ ફેર છે તે વડોદરા-ગુજરાતનાં અસામાજિક તત્ત્વો અને દિલ્હી-બિહાર, યુ.પી.નાં અસામાજિક તત્ત્વો વચ્ચે છે. વડોદરા-ગુજરાતનાં અસામાજિક તત્ત્વો -ગુંડા તત્ત્વોએ એવો નિયમ લીધો છે કે બધી ગુંડાગીરી કરી શકાય પણ અડધી રાત્રે પણ મા-બહેનોની છેડતી, અડપલાં કે બળાત્કાર કરી ના શકાય.

જ્યારે દિલ્હી, યુ.પી., અને બિહારનાં અસામાજિક તત્ત્વો -ગુંડા તત્ત્વોનું સ્તર બહુ જ નિમ્નકક્ષાનું છે. તેઓ માને છે કે સ્ત્રીને જુઓ કે દબોચી લો એને લુંટી લો. એના શરીર પરનાં ઘરેણાં નહીં લુંટીએ તો ચાલશે પણ એની ઇજ્જત તો લુંટી જ લેવાની.

ગુજરાત કે દિલ્હીના બુદ્ધિજીવીઓ માં-બેનની આબરૂ લેતાં પણ નથી અને બચાવતા પણ નથી. ફેર પડે છે તો જે તે સમાજનાં અસામાજિક તત્ત્વો-ગુંડા તત્ત્વોનો. મોરાલીટીમાં સજ્જનો તો એક જ લીટી પર ઊભા છે પણ અસામાજિક તત્ત્વોના આત્માના અવાજથી નક્કી થાય છે કે આ સમાજ કેવો બનશે કે રહેશે?

હવે એક વાત નક્કી થઈ ગઈ કે અસામાજિક -ગુંડા તત્ત્વો પર સમાજ રચનાનો આધાર છે તો જે કાંઈ પરિવર્તન લાવવાની જરૂર છે તે માટે આવા તત્ત્વોની મોરાલીટી ઊંચી લાવવાની છે.

આ માટે તમે સેમિનારો કરશો કે ટીવી પર ચર્ચાઓ કરશો તો અસામાજિક તત્ત્વો પર એની કોઈ અસર થશે તેમ લાગતું નથી.

તો આનો ઉપાય શું? મારી દૃષ્ટિએ જે પ્રાંતોમાં ભક્તિ ચળવળો ચાલી – સંત પરંપરાઓ ઊભા થઈ તે પ્રાંતોમાં અસામાજિક તત્ત્વોનું મોરલ ઊંચું છે.

અસામાજિક તત્ત્વો નેસ્તનાબુત થવાના નથી, થઈ શકે પણ નહિ. એમનું આત્મબળ સુધારવું, મોરલ ઊંચું લાવવું એ જ એનો ઉપાય છે.

જ્યાં અસામાજિક તત્ત્વોનું મોરલ સાવ તળીએ જઈને બેઠું છે તે પ્રાંતોની એક વાત સાવ આંખે ઊડીને વળગે છે અને તે છે કે આ પ્રાંતોમાં પોલીસ દળનું મોરલ તો ત્યાંનાં અસામાજિક તત્ત્વો કરતાં પણ વધુ ગંદુ છે. એટલે આ પ્રાંતોમાં અસામાજિક તત્ત્વોની સમાજ સુધારણા હાથ ધરતાં પહેલાં આ પ્રાંતોનાં પોલીસ દળોનું મોરલ વધુ ઊંચું લઈ જવું પડશે.

આ મૂળભૂત ઉપાયો કર્યા વગર માત્ર સરકારો બદલ્યે જવાથી આ પ્રદેશોમાં કોઈ મોટો ફેરફાર થનાર નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud