શું પાપ, શું પુણ્ય? -  જીતુભાઈ પંડ્યાની #સીધીવાત

(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે જેને આત્મજ્ઞાન થયું નથી એને બીજાને મદદરૂપ થવાનો પણ હક્ક નથી. કારણ કે તમે જાણતા પણ નથી કે તમે કોઈને મદદ કરો છો કે તેને મુશ્કેલીમાં મૂકી રહ્યા છો.

આવો, આ વાત એક-બે ઉદાહરણથી સમજીએ.

એક ભાઈ વહેલી સવારે મંદિર જવા નીકળ્યા. રસ્તામાં એક મોટી ખીલી પડેલી. આ ભાઈને થયું કે કોઈની કાર-સ્કુટરમાં પંચર પડી જશે એટલે સેવાભાવે એ ખીલી ઉપાડી દીવાલ બાજુ નાખી.

થોડી વારમાં એ ફૂટપાથ પરથી એક ડાયાબિટીક માણસ ખુલ્લે પગે નીકળ્યો. તેને એ ખીલી વાગી અને છ મહિના હેરાન-પરેશાન થયો અને આખો પગ કપાવવો પડ્યો.

હવે ખીલી રોડ પર લાવવામાં કુદરતનું એ આયોજન હતું કે રાજેન્દ્ર નામના યુવાનની બાઈકમાં પંચર પડે એ અહીં જ રોકાઈ જાય એ હાઈ-વે સુધી ના જાય અને ટ્રક અકસ્માતમાંથી એનો જીવ બચી જાય.

હવે પેલી ખીલી તો રસ્તા પરથી ગઈ એટલે રાજેન્દ્રની બાઈકમાં પંચર ના પડ્યું. એ હાઇવે પહોચ્યો અકસ્માત થયો અને એનું મોત નીપજ્યું.

હવે એક નાનકડી ખીલી ખસેડવાનું સેવા કાર્ય પણ એક વ્યક્તિનાં મોતમાં અને બીજી વ્યક્તિના પગ ગુમાવવા સુધી પહોચ્યું. હવે આને સેવાકાર્ય પુણ્ય કહીશું કે પાપ?

આપ હાઇવે પરથી પસાર થાવ છો. એક કાર અકસ્માતમાં એક વ્યક્તિ મરવાની અણી પર આવી ગઈ છે. તમે એને હોસ્પિટલ લઈ જાવ છો. તેનો જીવ બચી જાય છે. પછી તે વ્યક્તિ ત્રાસવાદી કૃત્યમાં ૨૦ જણને મારી નાખે છે. હવે તમે એ વ્યક્તિની જાન બચાવી પુણ્યનું કામ કર્યું કે પાપનું?

૧૯૩૫માં જર્મનીમાં હિટલર લોકપ્રિયતાની ટોચ પર હતો ત્યારે જર્મનીના ૬ નાના લશ્કરી અધિકારીઓએ હિટલરને મારી નાંખવાનું કાવતરું કર્યું. હિટલરને માહિતી મળી ગઈ. હિટલરે આ છ અધિકારીઓને કોર્ટ માર્થલ કરી ફાયરીંગ સ્કોર્ડ સામે ઊભા કરી દીધા. જનતાનો રોષ એટલો બધો કે આ છ ઓફિસરોનાં સગાંવહાલાંને પણ મારી નાખ્યાં.

એ પછી બીજું વિશ્વયુદ્ધ થયું, હિટલરને કારણે દુનિયાના પાંચ થી છ કરોડ લોકો માર્યા ગયા અને દુનિયા અને જર્મની તબાહ થઈ ગયાં. જો ૧૯૩૫માં આ છ લશ્કરી અધિકારીઓનું કાવતરું સફળ થયું હોત તો એમણે જર્મની અને વિશ્વની સેવા કરી કહેવાત કે નહીં?

૧૯૫૨માં જર્મની સરકારે આ છ લશ્કરી અધિકારીઓનાં નામ દેશદ્રોહીઓની યાદીમાંથી કાઢી એમને રાષ્ટ્રીય હીરો જાહેર કર્યા.

ખરી વાત તો એ છે કે આપણાં કૃત્યની સારી અસર થશે કે ખરાબ અસર થશે તેની આપણને ખબર જ હોતી નથી.

એટલે જ કહે છે કે એક પંતગિયું મેક્સિકોમાં પાંખો ફફડાવે છે અને સનફ્રાન્સીસ્કો પર વાવાઝોડું ત્રાટકે છે.

તો આપણે કરવું શું? શું કોઈને અકસ્માતમાં મદદ ન કરવી? શું રસ્તા પર પડેલી ખીલી પણ આઘીપાછી ના કરવી?

હા, આપણાં શાસ્ત્રો તો કહે છે કે, કુદરતનાં કોઈ પણ કામમાં તું દખલ ના કરું તો તે ઈશ્વરની સેવા કરી ગણાશે!

હવે આપે નક્કી કરવાનું છે કે માણસને મદદરૂપ થવું કે ઈશ્વરની સેવા કરવી.

મારી વાત તો એ છે કે માનવ સહજ સ્વભાવને કારણે આપણે આવાં કામો તો કરવાના જ. હું પણ કોઈ ઈજા પામેલો માણસ રસ્તા પર પડેલો જોઉં તો દવાખાને લઈ જ જાઉં. પણ મારે એ કૃત્ય કર્યા પછી ઈશ્વરને પાર્થના કરવાની કે હે પ્રભુ મને ખબર નથી કે મેં સારું કર્યું કે ખરાબ કર્યું છે. હવે બધું તું સંભાળી લેજે અને જો આ પુણ્યનું કામ હોય તો પણ હું આ પુણ્ય કૃષ્ણાપર્ણ કરી દઉં છું.

#Jitubhai Pandya #Sidhi Vat #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud