કોવિડકાળમાં ચારેકોર લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવાના અલગ અલગ નુસખા અજમાવી રહ્યા છે. માસ્ક, સેનિટાઇઝર, પીપીઈ કિટની સાથોસાથ હજુ એક પ્રોડક્ટનું બજાર ધમધમી રહ્યું છે, જેને આપણે ‘ઇમ્યુનિટી બુસ્ટર’ તરીકે ઓળખીએ છીએ. કેટલાક લોકો સાત્વિક ખોરાક પર ભાર મૂકી રહ્યા છે, તો અન્ય કેટલાક કસરત-યોગ-પ્રાણાયામ પર! આ બધાંની વચ્ચે વિટામીન સી અને ઝિંકની ટેબ્લેટ્સ માર્કેટમાં બેમોઢે ઠલવાઈ રહી છે. ઇમ્યુનિટી બુસ્ટર તરીકે લેવાતી આ દવાઓ શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે એ આપ જાણો છો? આ પ્રકારની દવાઓ ખરેખર રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે ખરી?

રોગપ્રતિકારક શક્તિ કોઈ બાહ્ય તત્વ નથી, જેને બુસ્ટ કરી શકાય. વાસ્તવમાં વાયરસ, બેક્ટેરિયા જેવા ફોરેન બૉડીની સપાટી પર રહેલાં અમુક પ્રકારના પ્રોટિન (જેને એન્ટિજન કહેવામાં આવે છે) જ્યારે શરીરમાં પ્રવેશ મેળવે ત્યારે તેનો સામનો કરવા માટે ઇમ્યુનિટી એક્ટિવ થાય છે. જે બાદમાં વાયરસ કે બેક્ટેરિયા સામે મુકાબલો કરીને શરીરને રોગમુક્ત બનાવવાનું કામ કરે છે.

ગઈકાલ રાતની જ વાત છે. લેખ માટે કયો વિષય પસંદ કરવો એ માટેના ત્રણ-ચાર વિકલ્પો પર હું નજર દોડાવી રયો હતો, એ જ વખતે વોટ્સએપ પર મારા એક પ્રિય વાચકનો મેસેજ આવ્યો. એ ભાઈએ માનવતાના નાતે સ્વાસ્થ્ય અંગેની પૂછપરછ કરી. ત્યારબાદ મને ત્રણ-ચાર ઇમ્યુનિટી બુસ્ટર ટેબ્લેટ્સના ફોટો મોકલ્યા. તેઓ આ તમામ ટેબ્લેટ્સ પાછલા ત્રણ મહિનાથી લઈ રહ્યા છે. મને પણ સલાહ આપી કે ઇમ્યુનિટી વધારવા માટે તેનો ઉપયોગ કરો તો સારું!

બસ, આ વાત મગજમાં રહી ગઈ. રોગપ્રતિકારક શક્તિ આ પ્રકારની ટેબ્લેટ્સની વધી શકે ખરી? એવો એક સવાલ મનમાં ઉદ્ભવ્યો. આ વાંચી રહેલાં ઘણા ખરા લોકો ઇમ્યુનિટી બુસ્ટર લેતાં હશે એટલે જ કદાચ આ વાંચી રહ્યા હશે. બટ ટ્રસ્ટ મી, આ લેખ પૂરો કરશો ત્યાં સુધીમાં તમે એ ટેબ્લેટ્સને કચરા ટોપલીમાં ન ફેંકી દો તો જ નવાઈ!

રાજકોટના મોટાભાગના મુખ્ય માર્ગો પર આજકાલ ઇમ્યુનિટી બુસ્ટરના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. જેમને મળો એ ઇમ્યુનિટી બુસ્ટ કરવાની વાતો કરી રહ્યા છે. અલગ અલગ ફ્રુટ જ્યુસ, કઠોળ, લીલા શાકભાજી સુધી તો બરાબર, પરંતુ આ વાત હવે દવાઓના પેકેટ્સ સુધી પહોંચી ગઈ છે. આ બધાની વચ્ચે એ જાણી લેવું જરૂરી છે કે ઇમ્યુનિટી બુસ્ટર જેવું કંઈ હોતું નથી. વિજ્ઞાન અને મેડિકલ જગત આજ સુધી ઇમ્યુનિટી બુસ્ટ કરી આપતી દવાઓની સત્યાર્થતા ચકાસી શક્યું નથી.

કોરોના સામે બચવા માટે કુદરત દ્વારા ઇન્સ્ટોલ થયેલી ઇમ્યુનિટી સિસ્ટમ સિવાય બીજો કોઈ આર્ટિફિશિયલ રસ્તો અપનાવવો હાલના સ્તર પર સંભવ નથી, એવું વૈજ્ઞાનિકો સ્વીકારી ચૂક્યા છે. ઇમ્યુનિટી શબ્દનો અર્થ આપણે હજુ સમજ્યા જ નથી. રોગપ્રતિકારક તંત્રને જ્યાં સુધી શરીરમાં બેક્ટેરિયા અથવા વાયરસની સપાટી પરના પ્રોટિનની હાજરીની ગંધ ન આવે ત્યાં સુધી તે નિષ્ક્રિય જ હોય છે. એન્ટિજનની હાજરી તેને સક્રિય કરવાનું કામ કરે છે. એન્ટિજન પર તાત્કાલિક હલ્લો મચાવીને રોગને શરીરમાં ફેલાતો અટકાવે છે.

રોગપ્રતિકારક તંત્ર જે શ્વેતકણોનું બનેલું છે, તેને બહારના ખોરાક અથવા દવાથી બુસ્ટ-અપ કરવું સંભવ જ નથી. કોઈ વ્યક્તિમાં ઓછી રોગપ્રતિકારક શક્તિ હોવાનો અર્થ એ છે કે તેના શરીરમાં શ્વેતકણોની સંખ્યા ઓછી છે. તેને ઘણા રોગો થવાની સંભાવના રહે છે. પરંતુ મેડિકલ જગત આજ સુધી વેક્સિન સિવાય એવો કોઈ રસ્તો શોધી શક્યું નથી, જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ-અપ કરી શકાય. આમ છતાં જ્યારે આપણે ઇમ્યુનિટી બુસ્ટર લઈએ છીએ ત્યારે, શ્વેતકણોની કાર્યશીલ રાખતાં સાયટોકિન નામના પ્રોટિન સાથે સીધી છેડછાડ કરીએ છીએ.

ઓકે, સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું. પાણીનો એક ગ્લાસ ભરેલો છે, તેમાં હવે જરા અમથું પાણી નાંખો તો પણ છલકાઈ જાય એવી હાલત છે. હવે કલ્પના કરો કે, પાણીના આ ગ્લાસમાં તમે બહારથી સતત પાણી રેડ્યા જ કરો છો. શું થશે? પાણી ઉભરાઈને બહાર નીકળી જશે. રોગપ્રતિકારક તંત્રનું પણ આવું જ છે. ફર્ક માત્ર એટલો છે કે બહારથી લેવાતાં ઇમ્યુનિટી બુસ્ટર્સ શરીરમાં પહોંચીને ભયંકર નુકશાન પહોંચાડે છે. ટેબ્લેટ્સ સ્વરૂપે લેવાતાં ઇમ્યુનિટી બુસ્ટર્સ નુકશાનકારક સાયટોકિન પ્રોટિનને શરીરમાં ફેલાવવાનું કામ કરે છે, જેના લીધે કોષોને ભયંકર નુકશાન પહોંચે છે. માણસની રોગપ્રતિકારક શક્તિ થોડા સમય માટે ઘટી ગયા હોવાના દાખલા પણ નોંધાયા છે. આનો અર્થ એમ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લેવાયેલી દવા જ અલ્ટીમેટલી તેના ઘટાડા પાછળનું કારણ બને છે. નિષ્ણાંત સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે, ’જ્યારે મને કોઈ એમ કહે કે અમે તમારી રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરવા જઈ રહ્યા છીએ, તો મારા માટે એ ચિંતાનો વિષય છે!’

સિમ્પલ લૉજિક છે. ૧ લાખ સૈનિકોને તમે દેશની સીમા પર યુદ્ધ લડવા માટે મોકલો છો, પરંતુ સામે લડવાવાળું કોઈ છે જ નહીં! દુશ્મનની હાજરી જ નથી. સૈનિકો લડશે કોની સામે? આમ છતાંય અગર એમને પરાણે લડવાના આદેશો આપવામાં આવે તો અંદરોઅંદર લડીને મરી જશે. શરીર પણ આ રીતે જ કામ કરે છે. ઇમ્યુનિટી બુસ્ટરના ડોઝ તમારા શરીરમાં સાયટોકિનની માત્રા વધારવાનું કામ કરે છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિને પરાણે જાગૃત કરવાનો કોઈ અર્થ ખરો? આખરે એ સાયટોકિન તમારા શરીરને નબળું પાડવાનું કામ કરે છે.

એકમાત્ર કસરત એવો રસ્તો છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો સંભવ છે. ડોક્ટર્સ વધારે તીવ્રતા ધરાવતી કસરતો કરવાની પણ ના પાડે છે. ઘર અથવા જિમમાં થતી ૬૦ મિનિટની કસરત શરીરના નબળા અને રોગગ્રસ્ત કોષોને દૂર કરવાનું કામ કરે છે. કસરત સમયે સાયટોકિન શરીરની રોગપ્રતિકારક શક્તિને જાગૃત કરવાનું કામ કરે છે. બોડી-બિલ્ડર કે એથ્લિટ કરે છે એવા પ્રકારની વધારે પડતી કસરતો શરીર પર ઊંધી અસર દેખાડે છે. તમે કદાચ નોંધ્યુ હશે તો ખ્યાલ હશે કે, રમતવીર પોતાની મેરેથોન રમ્યા બાદ થોડા દિવસ શરદી અથવા અન્ય સામાન્ય શારીરિક તકલીફથી પીડાતો હોય છે. આની પાછળનું કારણ વધારે પડતી શારીરિક કસરતને ગણાવી શકાય. વડવાઓ કહી ગયા કે, અતિની કોઈ ગતિ નથી. આજની પરિસ્થિતિમાં આ સૂત્રને બરાબર ગળે ઉતારી લેવા જેવું છે.

ઘણા કિસ્સામાં ડોક્ટર્સ નોંધી ચૂક્યા છે કે ઇમ્યુનિટી બુસ્ટર્સનો ડોઝ લેનારા કોરોનાના દર્દીની મોત જલ્દી થઈ જાય છે. તેનું કારણ પણ આ જ છે. ઇમ્યુનિટી બુસ્ટરને કારણે સીધી અસર સાયટોકિન પર થાય અને તે આખરે રોગપ્રતિકારક શક્તિ નબળી પાડવાનું કામ કરે. સાહેબ, ઊલમાંથી ચૂલમાં પડ્યાનો ધંધો છે આ! સુરક્ષિત રહો. સ્વસ્થ રહો.

૧૯૫૪ની સાલમાં રસાયણશાસ્ત્ર અને ૧૯૬૨ની સાલમાં શાંતિ માટે નોબેલ પારિતોષિક મેળવી ચૂકેલા વૈજ્ઞાનિક લિનસ પાઉલિંગ ઇમ્યુનિટી બુસ્ટરના ધતિંગ પાછળ જવાબદાર છે. એમની સાબિત ન થયેલા રાસાયણિક સિદ્ધાંતોને કારણે આજે દુનિયામાં ઇમ્યુનિટી બુસ્ટર્સનું માર્કેટ ફૂલ્યું છે. ‘વિટામીન સી’ના ડોઝ લેવાથી શરદી મટી શકે છે અથવા ઇમ્યુનિટી બુસ્ટ થઈ શકે છે, એ પ્રચલિત માન્યતાના ફેલાવા પાછળ પણ તેઓ જવાબદાર છે. હકીકત તો એ છે કે, વિટામીન સી અને ઝિંક શરીરના રોગપ્રતિકારક તંત્ર માટે ફક્ત એક ઉદ્દીપકનું કામ કરે છે. તેનો સીધો સંબંધ રોગપ્રતિકારક શક્તિ સાથે છે તેવું આજ સુધી મેડિકલ જગત સાબિત કરી શક્યું નથી.

રોગપ્રતિકારક શક્તિ પાછળ કારક પરિબળ છે : શ્વેતકણો, જેના વિશે પાઠ્યપુસ્તકોમાં આપણે ઘણું શીખ્યા. ન્યુટ્રોફિલ્સ, મેક્રોફેજ, મોનોસાઇટ્સ તેમજ ટી-સેલ, બી-સેલ અને એન્ટિબોડિઝના કાર્યોથી પણ અજાણ નથી. મહત્વની વાત એ છે કે, શ્વેતકણોની કાર્યક્ષમતા સાયટોકિન નામના પ્રોટિનના હાથમાં હોય છે, જેને ખોરાક અથવા ટેબ્લેટ્સથી વધારી શકવા સંભવ નથી. ઇમ્યુનિટી બુસ્ટર ક્યારેય સાયટોકિન પર નિયંત્રણ લાદી તેની માત્રા વધારી શકે નહીં. આ રીતે વિચારવા જઈએ તો, ઇમ્યુનિટી બુસ્ટર એ ફક્ત ધુપ્પલ છે!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud