મર્સીડિઝ બેન્ઝ અને બીએમડબલ્યુ જેવી કંપનીઓ ગ્રાહક બનીને લાઇનમાં ઉભી રહે એ કક્ષાની સફળતા મેળવવા માટે માળખાગત શિક્ષણપદ્ધતિની સાથોસાથ પ્રેક્ટિકલ એજ્યુકેશન પર પણ ભાર મૂકાવો જોઇએ.

અંતરાયો કોના જીવનમાં નથી? લાઇફ કેન ચેન્જ એન્ડ ચેલેન્જ યુ ઇન એવરી મોમેન્ટ! સવાલ તો એ છે કે આપણે કઈ રીતે જીવવા માંગીએ છીએ? સુખ-સગવડ-પૈસાનાં અભાવે સતત ફરિયાદો કરતાં-કરતાં કે પછી જેટલું મળ્યું છે એમાં પરસેવારૂપી મહેનત ઉમેરી જીવનને વધુ બહેતર બનાવવાનાં ધ્યેય સાથે? આજે આપણે જેમનાં વિશે વાત કરવાનાં છીએ એમનાં સ્વભાવનું સૌથી મહત્વનું પાસું છે : હકારાત્મકતા! પરિસ્થિતિને દુઃખોનો પહાડ ન ગણતાં, એમણે હંમેશા ચુનૌતી તરીકે એને સ્વીકારી છે. સ્પોર્ટ્સ માટે ભણતર અધૂરું છોડ્યું પરંતુ પરિવારની આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખવાનું હતું એટલે શરૂ કરી એક કંપની : જ્યોતિ! જે બાદમાં બની ‘જ્યોતિ સીએનસી’. શરૂઆતમાં ૨૫ લાખ, ત્યારપછી ૭ કરોડ અને અત્યારે ૧૦૦૦ કરોડથી પણ વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ કંપની, આગામી સમયમાં મશીન-ટૂલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશ્વની ટોપ ૧૦ કંપનીઓમાંની એક ગણાશે.

૧૯૮૯માં આપણા ગૌરવવંતા રાજકોટિયન એવા શ્રી પરાક્રમસિંહ જાડેજાએ ‘જ્યોતિ સીએનસી’નાં પાયા નાંખ્યા. જોકે, એ વખતે ફક્ત એક જોબશોપ તરીકે એની શરૂઆત થઈ હતી. જરાક વધુ ફ્લેશબેકમાં જઈને વાત કરીએ તો, નાનપણથી જ પરાક્રમસિંહજીને ચેસ રમવાનો ખૂબ શોખ! ચેસની રમતમાં ગુજરાતનાં સીમાડાઓ વટાવીને રાષ્ટ્રીય સ્તર પર એમણે પોતાનાં માતા-પિતાનું નામ રોશન કર્યુ. જન્મ અને ઉછેર રાજકોટમાં. મધ્યમવર્ગીય પરિવારનું સંતાન. ક્રિકેટનાં શોખને કારણે છેક ‘અન્ડર-૧૯’ ટીમ સુધી પહોંચ્યા. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી તેમણે ફક્ત રમત-ગમત પર ધ્યાન આપ્યું. ત્યારબાદ ઘરમાં ટેકો બનવા માટેની ધગશને લીધે શરૂ થઈ એન્ટરપ્રિન્યોરશીપ જર્ની!

મિત્રનાં એક ઓળખીતા પાસેથી લેથ મશીન ખરીદીને એમણે પોતાનો ધંધો જમાવ્યો. અલગ અલગ સરકારી યોજનાઓ, બેંકોની લોન વડે ધીરે ધીરે એનો વિકાસ પણ કરતાં ગયા. તનતોડ પરિશ્રમ અને સચોટ નિર્ણયો લઈ શકવાની કાબેલિયતને લીધે ‘જ્યોતિ’ ઉત્તરોતર પ્રગતિનાં પંથે આગળ વધવા લાગી. ૧૯૯૮ની સાલમાં ‘સીએનસી’ ટેકનોલોજી માર્કેટમાં નવી આવી હતી. રાજકોટમાં ફક્ત એક કંપની પાસે એનાં મશીનો હતાં. બાદમાં, જર્મની દેશની સીમેન્સ સાથે કરાર કર્યા પછી એમની પાસેથી સીએનસી ટેક્નોલોજી ખરીદવામાં આવી. અને એ વખતે કંપનીનું નામ બદલીને ‘જ્યોતિ સીએનસી’ થઈ ગયું.

સામાન્યતઃ એવું થતું હોય છે કે વિદેશી કંપનીઓ ભારતની કંપનીઓને ખરીદી એમાંથી નફો કમાય. પરંતુ અહીં ચિત્ર સાવ વિપરીત છે. પરાક્રમસિંહજીની બિઝનેસ-સ્કિલ્સનાં લીધે તેમણે પોતાની કંપનીનું એક્સપાન્સન કર્યુ એટલું જ નહીં, પરંતુ ૨૦૦૮માં ફ્રાંસની ‘હુરોન’ કંપનીને પણ ટેક-ઓવર કરી. બંને કંપનીઓનું સંયુક્ત ટર્નઓવર વર્ષે ૫૦૦ કરોડનું થઈ ગયું. ને પછી સતત વધતું રહ્યું! જેનું મૂલ્ય આજે ૧૦૦૦ કરોડ કરતાં પણ વધી ગયું છે.

પરાક્રમસિંહજીનાં પિતાશ્રી પોતે ઓશો રજનીશનાં ફોલોઅર. આથી પરાક્રમસિંહજીને પણ રજનીશજી પ્રત્યે ઉંડી શ્રધ્ધા. ઓશોનું જીવન એવા પ્રકારનું રહ્યું જેમાંથી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી શકે અને પોતાની જિંદગીમાં એનું અનુસરણ પણ કરી શકે. ભૂત અને ભવિષ્યની ચિંતા છોડી ફક્ત વર્તમાનમાં જીવી જનાર માણસ દરેક પ્રકારની ચુનૌતીઓનો સામનો કરવા માટે સજ્જ બની શકે છે, તે મર્મ પરાક્રમસિંહજી ઓશોવાણીમાંથી મેળવી ચૂક્યા છે. હી ઇઝ બેઝીકલી અ સ્પિરિચ્યુલ માસ્ટર ફોર પરાક્રમસિંહજી! જીવનનાં કોઇપણ વળાંક પર અગર મુશ્કેલીઓ વધતી દેખાય તો તેઓ ઓશોને યાદ કરી લે છે.

એકદમ પ્રેમાળ અને હસમુખુ વ્યક્તિત્વ ધરાવનાર પરાક્રમસિંહજીએ કરોડોનું એમ્પાયર ઉભું કરી લીધું હોવા છતાં તેઓ સ્વભાવે ખૂબ વિનમ્ર અને નિરાભિમાની છે. સ્પોર્ટ્સ બાબતે પણ તેઓ નવા ઉભરતાં ખેલાડીઓ માટે સ્પોન્સરશીપથી માંડીને તેમને તાલીમબદ્ધ કોચ, રમત રમવા માટેની પૂરતી સવલતો પૂરી પાડી રહ્યા છે. કારણકે તેઓ સ્પષ્ટપણે માને છે કે માળખાગત શિક્ષણપદ્ધતિની સાથોસાથ વિદ્યાર્થીને ખેલકૂદ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય પ્રેક્ટિકલ એજ્યુકેશન પૂરું પાડવું અત્યંત જરૂરી છે, જેથી તેનો સર્વાંગી વિકાસ થઈ શકે.

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud