કોઈપણ મનુષ્યના જન્મની એ ઘડીએ, એ ક્ષણે તેનું ભાવિ, ઉમર, ભણતર, નોકરી કે ધંધો, કેટલા પૈસા, કેવી પત્ની, કેટલા બાળકો, યાત્રા-જાત્રા અને કેવું અને કેટલું ઘડપણ આમાંનું કશું પણ નિર્ધારિત હોય કે ન હોય, પણ એ જન્મ લેનારનું મૃત્યુ નિર્ધારિત થઇ જતું હોય છે. આ હકીકત આપણે સહુ સમજણાં થતાની સાથે સમજી લેતા હોઈએ છીએ પણ આપણામાંના કેટલા લોકો આ હકીકતને સહજતાથી સ્વીકારી લેતા હોય છે…? મારા મતે બહુ ઓછા…! જીવવું બધાને છે, એમને…? કોઈને મરવાનું ગમતું નથી, એમને…? જો મારી આ વાતથી તમે સહમત હોવ તો જ અમિષની આજની વાત આગળ વાંચશો, બાકી, અહીથીજ થોભી જવામાં અને રામ રામ કહી દેવામાં મજા છે.

જીવનની વ્યાખ્યા અલગ અલગ ચિંતકોએ પોતા-પોતાની રીતે કરી છે… ઘણા જ્ઞાની અને શાસ્ત્રોના જાણકાર સંતોએ પોતાના જીવનમાં ઘણા શિષ્યોને પોતાના અનુભવો મુક્ત મનએ સમજાવ્યા છે અને જીવન વિષે પોતાના આગવા મંતવ્યો રજુ કર્યા છે. મારા અત્યાર સુધીના જીવનમાં મને જીવનની જેટલી વ્યાખ્યા જાણવા અને સમજવા મળી છે તેના પરથી હું એક નિષ્કર્ષ પર અવશ્ય પહોંચ્યો છું. જીવન એટલે એના શરુ થતાની સાથેજ મૃત્યુની દિશામાં આગળ વધવાની એક અનોખી શૈલી, ક્રમ અને એક વિશિષ્ટ કળા.

તમને થશે કે આજે અમીષ કેમ જીવનની અને મૃત્યુની વાત કરી રહ્યો છે…? તો તમે નિશ્ચિંન્ત રહો, આજની મારી રોજીની શી ના અંતમાં તમે એ પણ જાણી લેશો એવું વચન આપી રહ્યો છું. પણ એ પેહલા આજે મારે તમારી સહુની સાથે જીવનની વાત કરવી છે, મૃત્યુની નહિ… મૃત્યુની અને મૃત્યુ પછીની વાત તો “કઠો ઉપનિષદ” માં નચિકેત અને યમની વચ્ચે થઇ ગઈ છે અને એનાથી આગળની વાત કરવાને માટે આજે અમીષ સક્ષમ નથી, પણ સાથે સાથે એ પણ જાણજો કે અમિષનો અભ્યાસ ચાલુ છે અને આ જન્મમાં નહિ તો બીજા કોઈ જન્મમાં એ અવસ્થામાં પોહ્ચવાની ઈચ્છા તો છે જ, અટકીશ નહિ. તો જયારે એક માનવી, માનવીય જીવનને આટ-આટલો પ્રેમ કરે છે ત્યારે જ તો એને આ માનવીય જીવન ખોવાનો એના અંતનો રંજ હોય છે… તો પછી માનવી કેમ રોજે રોજ પસાર થતા આ જીવનની એક મહત્વની બાબત સતત અવગણી રહ્યો છે… મૃત્યુ નહિ પણ પસાર થતું અને એના અનંત અંત તરફ વધતું જીવન. કુદરતનો એક સીધો અને સરળ નિયમ છે; જયારે કશુંક કશે જમા થાય છે ત્યારે ચોક્કસ કશું કશેક ઉધાર થતું હોય છે… બની શકે કે આ જમા ઉધાર પ્રત્યક્ષ ના હોય પણ એના વગર આ જીવન શક્ય નથી. જે દિવસે કાળા માથાનો માનવી ઈશ્વરીય જમા ઉધારની આ પદ્ધતિ અને રોજમેળના આધારે જમા ઉધારની ક્રમબધ નોંધ પડતા શીખી જશે એ દિવસે આ કાળા માથાનો માનવી ઈશ્વરની અને ઈશ્વરીય શક્તિઓની એક કદમ વધારે નજીક આવી જશે. પણ ત્યાં સુધી પહોંચતા પેહલા આપણે એટલે કાળા માથાના માનવીએ પ્રમાણમાં ઘણી બધી કુદરતી પ્રક્રિયાઓ, કુદરતી ક્રમ અને કુદરતી જટિલથી પણ જટિલ પદ્ધતિઓ સમજવી અને એનો યોગ્ય ઉકેલ મેળવતા શીખવું પડશે.

સનાતન ધર્મ જન્મ બાદ જન્મના સિદ્ધાંતમાં માને છે. રજનીશ ઓશોએ એમના એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ઘડિયાળની શોધ પશ્ચિમે કરી કારણ કે પશ્ચિમના તમામ ધર્મો પુર્નજન્મમાં માનતા નથી અને એટલેજ આ એક વખતના માનવીય જન્મમાં જેટલું થાય એટલું કરી લો અને મોક્ષ મેળવી લો એવાં સિઘ્ઘાંત પર તેઓ જીવી રહયાં છે. આનાથી વિપરીત આપણી સંસ્કૃતિ એમ માને છે કે આવતો જન્મ અને એના પછીનો જન્મ અને એના પછીના પછીનો જન્મ તો છેજ તો ઉતાવળ શેની છે…? જયારે આપણે વારંવાર આ ધરતી પર પાછા આવવાનું જ છે તો પછી કઈ વાતની ઉતાવળ છે…? માનવીને ઘડિયાળના ગુલામ કેમ બનવું છે…? હવે તમને થશે કે આ જીવનમાં જે જોવા અને જાણવા મળ્યું છે તે આગલા જન્મમાં કેવી રીતે જમા લઇ જઈશું…? એટલેજ આ એક જીવનમાં જેટલું મળે એટલું જીવી લેવાની મહેચ્છા હોવી એમાં કઈ ખોટું નથી. તો મારા વહાલા મિત્રો અને સાથીઓ, મારી પાસે તમારા આ સવાલનો એકદમ સરળ ઉત્તર છે, શું તમે તમારા જીવનમાં એવા કોઈ બાળક વિષે સાંભળ્યું છે કે જેને એના જીવનના શરુઆતાના ત્રણ ચાર વર્ષમાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ હોય…? શું તમે તમારા જીવનમાં એવા કોઈ બાળકના પરિચયમાં આવ્યા છો જે તમારા કરતા ચાર પાંચ મહિના વેહલું ચાલતા શીખી ગયું હોય…?

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તમારા કરતા વેહલા એટલે માની લો કે, તમે બે વર્ષના હતા ત્યારે બે પગે ચાલતા થયા હતા અને કોઈ બાળક એના જન્મના ૧૫ માં કે ૧૮ માં મહિને ચાલતા શીખી ગયો હોય! આ વિષયને હજી સરળ કરી નાખું તો જો તમે ધ્યાનથી આજની નવજાત પેઢીને જોશો તો તમને એ સમજાઈ જશે કે જયારે તમે બે ત્રણ વર્ષના હતા ત્યારે તમે બે પગે બરાબર ચાલી નોહતા શકતા અને આજનું બે ત્રણ વર્ષનું બાળક “સ્માર્ટ ફોન” સરળતાથી વાપરી શકે છે. યૂટ્યૂબ કેમ ચલાવવું એ આજના બાળકો જાણે માંની કોખમાંથી શીખીને આવ્યા છે. આ બધી બદલાયેલી પરિસ્થિતિ જોતા એ વાત તમને અવશ્ય સમજાશે કે જેમ જેમ સમય વ્યતીત થતો જાય છે તેમ તેમ નવજાત બાળકો વધુ ને વધુ હોશિયાર થતા જાય છે. તમે આને મારી અતિશિયોક્તિ અથવા અંધવિશ્વાસમાં ખપાવી શકો છો, મને કોઈ વાંધો નથી. પણ જો એક વાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નેવે મૂકીને આ પરિસ્થિતિને જાણવાની કોશિષ કરશો તો તમને મારો અભિગમ સમજાશે. બાકી આપણા શાસ્ત્રોએ તો કહ્યું જ છે કે, આ સંસારમાં કુલ પાંચ એવા રહસ્યો છે જેનો ઉકેલ આજ સુધી આવ્યો નથી અને આવનાર સમયમાં કદાપિ આવશે પણ નહિ… આ પાંચ રહસ્યોમાંથી પહેલું રહસ્ય “જન્મ રહસ્ય” છે અને બીજું રહસ્ય “મૃત્યુ રહસ્ય” છે. બાકીના ત્રણ ફરી કોઈક વખત ચર્ચીશું અને જો તમને તાલાવેલી હોય તો વેદો અને પુરાણો વાંચવાના શરૂ કરી દો.

તો જીવન જીવવાની વાત છે… હસી ખુશી સાથે જીવવાની વાત છે… ગમે તેવી પરિસ્થિતિ હોય, જોમથી જીવી જવાની વાત છે… તો પછી આપણે મુત્યુથી શું કામ ડરીએ છીએ…? જે નક્કી જ છે તેનો ડર કેવો…? અને જયારે આપણને આપણા શાસ્ત્રો શીખવાડી રહ્યા છે કે પુર્નજન્મ છે તો પછી એક જીવનમાં બધું કેમ જીવી લેવું છે…? જયારે આપણી સમક્ષ પુર્નજન્મના ઘણા બધા ઉદાહરણો છે ત્યારે આપણે કેમ એક આત્માવિશ્વાસ નથી કેળવી શકતા કે પુર્નજન્મ જેવી કોઈ અવસ્થા અને વ્યવસ્થા કરવામાં આવી છે…? જયારે સમય અનંત છે તો પછી ઘડિયાળના ગુલામ બનવાની શી જરૂર છે…? બસ પુરેપુરી શ્રદ્ધાથી આ જીવન અને આવનાર જીવન જીવી લો, પૂરતું છે…!

આટલું કેહવા અને લખવા પાછળનો અમિષનો એક જ ઉદેશ્ય છે… રોજ આનંદ કરો, રોજ કંઈક નવું જાણો, રોજ કંઈક નવું શીખો. વર્ષે આવતા કોઈ એક દિવસની રાહ ના જોશો અને એ દિવસ આવે તો પણ રોજની જેમ આનંદ અને મસ્તીમાં જાણે આજે કશું નવું નથી તેમ છતાં આજે ગઈકાલ કરતા કંઈક વિશેષ છે એવા ઉન્માદ સાથે આવનાર દરેક નવા દિવસને તમારો નવો જન્મ ગણી જન્મદિવસ તરીકે ઉજવો. આમ પણ મારુ એવું માનવું છે કે ગુજરાતી ભાષાનો દરેક તૂટેલો શબ્દ આપણને એ ક્ષણમાં જીવવાની સલાહ આપતો જાય છે. અને યાદ રહે મૃત્યુ, જન્મ, શ્વાશ, ભવિષ્ય, ઈશ્વર અને સહુથી છેલ્લે કૃષ્ણ આ બધા તૂટેલા શબ્દોથી બનેલા આખા અને અર્થપૂર્ણ શબ્દો છે.

મારા મિત્રો માટે ખાસ,

જો જન્મદિવસ ઉજવવાની જ વાત હોય તો, શું તમે ક્યારે પશુ-પક્ષી, ઝાડ-પાન, ફૂલ-છોડ, સૂર્ય-ચંદ્ર અને સર્જનહારના એવા તમામ સર્જનોનો જેનો જન્મ થયો છે એમને વર્ષના અમુક ચોક્કસ દિવસે ખાસ ઉત્સવ માનવતા જોયા છે…? મારો અનુભવ અને અનુભૂતિ કહે છે ના નથી જોયા… કારણ માનવીને મન છે, જયારે પશુ પક્ષીઓને “મન” નથી હોતું, એનાથી એક ઓછું “ચિત્ત” ઝાડ-પાન અને ફૂલ-છોડને નથી હોતું, એનાથી પણ એક ઓછું બુદ્ધિ “સૂર્ય અને ચંદ્ર” ને નથી હોતી. અને અંતે “અહંકાર” આ બ્રહ્માડના સર્જનહારને નથી હોતો. મારા વહાલા દોસ્તો એનો એવો મતલબ નથી કે આપણે પશુ પક્ષી કે ઝાડ પાન થઇ જવું… પણ એનો મતલબ એટલો જરૂર છે કે આપણે આ મનુષ્ય જન્મને બારીકીથી સમજવું અને આજે વિજ્ઞાન પણ એવું માને છે કે બારીકીથી સમજો તો જ હોવાનું માનો અન્યથા પ્રયત્ન કરતા રહો.

મારી આજની રોજની શી પુરી કરું એ પેહલા મારે તમને સહુને આપેલ મારુ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે, આજે અમિષનો ૪૨ મો જન્મદિવસ છે, તેમ છતાં આજના દિવસે કશું નવું નથી કર્યું સવારથી રોજિંદા ક્રમમાં જ રહ્યો છું અને મહાપરાણે મારા મિત્રોને રોજિંદો ક્રમ જાળવી રાખવા માટે મનાવી શક્યો છું. તેમ છતાં મારા મિત્રો કંઈક નવીન કરવાની ફિરાકમાં રહેતા હોય છે અને અમીષ એ નવીનતાને નિષ્ફળ બનાવની કોશિષ કરતો રહે છે. આજે હું સફળ રહ્યો છું એ વાતનું મને અભિમાન નથી પણ અમીષ રોજે રોજનું જીવન રોજે રોજ જીવી લે છે એ વાતનો આનંદ છે. એક કદમ આગળ વધીને એવું પણ આજે કહી શકું છું કે મને આજે આ ઘડીએ મૃત્યુનો ડર નથી.

અમીષ જે. દાદાવાલા

(લખ્યાં તારીખ – ૩૦-૦૯-૨૦૧૯)

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud